For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલ સેન્ટરોના ગોરખધંધામાં પોલીસની સંડોવણી ખૂલી

05:01 PM Sep 28, 2024 IST | Bhumika
કોલ સેન્ટરોના ગોરખધંધામાં પોલીસની સંડોવણી ખૂલી
Advertisement

અમદાવાદમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સીબીઆઇએ 20 કોલ સેન્ટરમાંથી 30 શખ્સોને ઉઠાવી લીધા

પોલીસની મીઠી નજર હેઠળ જ છેતરપિંડીનું રેકેટ ચાલતું હોવાનું બહાર આવતા ટૂંક સમયમાં મોટા ધડાકા થવાના નિર્દેશ

Advertisement

અમદાવાદમાં ગઇકાલે ગેરકાયદે કોલ સેન્ટરો ઉપર સીબીઆઇએ દરોડો પાડી 30 જેટલા શખ્સોની અટકાયત કરી છે. પરંતુ સીબીઆઇએ ગુજરાત પોલીસને અંધારામાં રાખી દરોડા પાડતા ભારે ચર્ચા જાગી છે. સીબીઆઇના 350 જેટલા અધિકારીઓના કાફલાએ પોલીસને અંધારામાં રાખી ગુરૂવારે રાત્રે આટલુ મોટુ ઓપરેશન કર્યું હતું અને 30 જેટલા શખ્સોની અટકાયત કરી હતી.

સીબીઆઇની પ્રાથમિક તપાસમાં અમેરિકા સહીતના વિદેશી નાગકિોને કોલ કરીને છેતરપીંડી કરવાના આ ગોરખધંધામાં અમદાવાદના જ કેટલાક પોલીસ અધિકારીઓની સંડોવણી બહાર આવ્યાનું જાણવા મળે છે.
પોલીસના જ સુત્રોએ જણાવ્યું હતું કે, અમેરિકન ફેડરલ બ્યુરો ઇન્વેસ્ટીગેશન એજન્સીએ ભારત સરકારને અમદાવાદ સ્થિત કોલ સેન્ટરો મારફત અમેરિકન નાગરીકો સાથે છેતરપીંડીનું કારસ્તાન ચાલત હોવાના ઇનપુટસ આપ્યા હતા. પરંતુ મોટાભાગના કોલ સેન્ટરો પોલીસના છુપા આશીર્વાદથી ચાલતા હોવાથી પોલીસને અંધારામાં રાખી સીબીઆઇના 350 જેટલા અધિકારીઓના કાફલા સાથે એક સાથે 20 જેટલા કોલ સેન્ટરો ઉપર દરોડા પાડી 30 જેટલા શખ્સોને ઉપાડી લીધા હતા.

હવે આગામી દિવસોમાં કોલ સેન્ટરનો કાંડ મોટુ સ્વરૂપ ધારણ કરે અને અમદાવાદના કેટલાક પોલીસ અધિકારીઓને દઝાડે તેવી પુરી શકયતા છે. કોલ સેન્ટરોના ગોરખ ધંધામાં પોલીસ અધિકારીઓની સીધી સંડોવણી પણ ખુલ્યાનું જણાવાઇ રહ્યું છે.

અમદાવાદમાં સીબીઆઇની ટીમ દ્વારા બિનકાયદેસર ચાલી રહેલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇની દિલ્હી ટીમના 300 થી વધારે સભ્યો દ્વારા અમદાવાદમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.દિલ્હી સીબીઆઇને કોલ સેન્ટર અંગે ફરિયાદો મળી હતી. વિદેશી નાગરિકોને અલગ અલગ રીતે ભોળવીને તેમની પાસેથી રૂૂપિયા પડાવવામાં આવે છે. જેના પગલે સીબીઆઇ દ્વારા આ તમામ કોલસેન્ટરો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુરૂવારે રાતભર ચાલેલા ઓપરેશનમાં ત્રીસેક લોકોને ઝડપી પણ લેવાયા છે. સીબીઆઇની ટીમ દ્વારા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અનેક કોલ સેન્ટરો પર દરોડા પડ્યા હતા. સૌથી આશ્ચર્યજનક બાબત છે કે, સીબીઆઇ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ દરોડા પાડવામાં આવ્યા હતા.

સીબીઆઇની ટીમને કોલ સેન્ટરો સાથે પોલીસની સાંઠગાંઠની આશંકા હોય કે ગમે તે કારણો સર સીધા જ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની જાણ વગર જ સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા હતા. આખી રાત કોલ સેન્ટરો પર દરોડા અને સર્ચ ઓપરેશન સહિતની કામગીરી ચાલતી રહી હતી. જો કે હજી સુધી સીબીઆઇ દ્વારા આ અંગે કોઇ અધિકારીક માહિતી આપવામાં આવી નથી. ઉપરાંત ધરપકડ કે કાર્યવાહી અંગે પણ કોઇ માહિતી આપવામાં આવી નથી.

સીબીઆઇના ભયે તાબડતોબ ડબ્બા ટ્રેડિંગ ઉપર દરોડા

અમદાવાદમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સીબીઆઇએ કોલ સેન્ટરો ઉપર દરોડા પાડતા અચાનક જ અમદાવાદ- ગાંધીનગર પોલીસ પણ સુક્રય થઇ ગઇ હતી અને ગઇકાલે ગાંધીનગરના દંતાણી ગામે ધમધમતા ડબ્બા ટ્રેડીંગના ગેરકાયદેસર હાટડાઓ ઉપર દરોડા પાડી 24 શખ્સોને ઝડપી લીધા હતા અને રૂા.26.65 કરોડની રકમ અલગ અલગ બેંક ખાતાઓમાં સીઝ કર્યા હતા. સ્થાનિક પોલીસે સીબીઆઇના ડરથી આ દરોડા પાડયા હોવાનું માનવામાં આવે છે. સરકારી તિજોરીને ચુનો મારવાના ડબ્બા ટ્રેડીંગમાં પણ સ્થાનિક પોલીસ સંડોવાયેલી હોવાથી સીબીઆઇ રેડ કરશે તેવા ભયથી પોલીસે જ કામગીરી બતાવવા જ દરોડા પાડયા હોવાની ચર્ચા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement