નશેડીએ દારૂના નશામાં અપહરણ કરી માર માર્યાની સ્ટોરી ઘડતા પોલીસ ધંધે લાગી ગઇ
રીબડામાં મજૂરી કામ કરતા યુવાને અજાણ્યા શખ્સો વિરુદ્ધ આક્ષેપ કરી રાજકોટ સિવિલમાં દાખલ થયો
ગોંડલના રીબડા ગામે મનોજ ઇન્ડસ્ટ્રીઝમા કામ કરતા શ્રમીક યુવાને દારૂના નશામા પોતે રીબડા રેલવે સ્ટેશન પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ બાઇકમા અપહરણ કરી અરડોઇ ગામે પાસે લઇ જઇ ઘેની ગોળીઓ ખવડાવી માર માર્યો હોવાની સ્ટોરી ઘડી રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ થયો હતો જે ઘટના પ્રકાશમા આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી બાદમા યુવાને દારૂના નશામા સ્ટોરી ઘડી હોવાનુ સામે આવ્યુ હતુ.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના રીબડા ગામે આવેલ મનોજ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમા કામ કરતો સંદીપકુમાર રમેશકુમાર સોનક (ઉ.વ. 17) નામનો સગીર બે દિવસ પુર્વે રાત્રીના આઠેક વાગ્યાના અરસામા રીબડા રેલવે સ્ટેશન પાસે ઇંડાની લારી પાસે ઉભો હતો ત્યારે 3 અજાણ્યા શખ્સોએ બાઇકમા અપહરણ કરી ઘેની ગોળીઓ પીવડાવી અરડોઇ ગામ નજીક લઇ જઇ પાઇપ વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસમા દોડધામ મચી ગઇ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમા અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ કરનાર સંદીપકુમાર સોનક નામના સગીરે દારૂના નશામા અજાણ્યા શખ્સોએ બાઇકમા અપહરણ કરી ઘેની ગોળીઓ ખવડાવી માર માર્યો હોવાની સ્ટોરી ઘડી હોવાનુ સામે આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. આ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.