દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડતી પોલીસ, 100 સ્થળે દરોડા
વહેલી સવારે પાંચ વાગ્યે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ ટુકડીઓ ત્રાટકી, બૂટલેગરો ઊંઘતા જ ઝડપાયા
શહેરમાં દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યાં છે ત્યારે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એ આવા દેશી દારૂના હાટડાઓ બંધ કરાવવા માટે શહેર પોલીસને છુટોદોર આપી તાત્કાલીક દરોડા પાડવા આદેશ આપતાં વહેલી સવારથી જ રાજકોટ શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ ઉપર રાજકોટ પોલીસની અલગ અલગ ટીમો તુટી પડી હતી અને 100 થી વધુ સ્થળોએ દરોડા પાડી પોલીસે 79 ગુનાઓ નોંધ્યા હતાં. જેમાં 517 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. જ્યારે 2343 લીટર આથો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પોલીસના દરોડાથી કેટલાક બુટલેગરો ઉંઘતા ઝડપાઈ ગયા હતાં.
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ અંગે પોલીસ કમિશ્નરે વિગતો મેળવી આવા અડ્ડાઓ તાત્કાલીક બંધ કરાવવા કડક સુચના આપી હતી અને આજે સવારથી જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસના તમામ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને ડી-સ્ટાફને વહેલી સવારે ચાર વાગ્યે પોલીસ સ્ટેશને હાજર થવા રાત્રિનાં જ આદેશ આપવામાં આવ્યો હતો. અચાનક પોલીસ અધિકારીઓના આદેશથી વહેલી સવારે હાજર થયેલા પોલીસ કર્મચારીઓને સાથે રાખી શહેરના અલગ અલગ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસની ટીમ ત્રાટકી હતી.
રાજકોટમાં દેશી દારૂના પંકાયેલા બુટલેગરો અને તેના વિસ્તારો જેવા કે જંગલેશ્ર્વર, કુબલીયાપરા, રૈયાધાર, છોટુનગર, ધરમનગર, માધાપર સહિતના વિસ્તારોમાં પોલીસ ટીમે દરોડા પાડયા હતાં. 100 થી વધુ અડ્ડાઓ પર વહેલી સવારે પોલીસ ટીમ ત્રાટકતા જ બુટલેગરો ઉંઘતા ઝડપાઈ ગયા હતાં. પોલીસે દેશી દારૂના દરોડામાં પોલીસે 79 કેસો કર્યા હતાં અને 517 લીટર દેશી દારૂ કબજે કરી 2343 લીટર આથાનો નાશ કર્યો હતો.
બે દિવસ દારૂના ફોટો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ એકશનમાં
રાજકોટ શહેરમાં દારૂબંધીના લીરા ઉડાડતા બે બનાવો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતાં જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો હતો. જો કે પ્ર.નગર પોલીસે આ મામલે કોઈ ફરિયાદ નોંધવાના બદલે સબ સલામતના ગુણગાન ગાયા હતાં. બીજી તરફ રાજકોટનાં મવડી પ્લોટ વિસ્તારમાં ખોડીયાર પાન નામની દુકાને જાહેરમાં દારૂના ઘુંટ ભરતાં એક શખ્સનો વિડિયો વાયરલ થયા બાદ આ બન્ને બનાવો પછી પોલીસ એકશનમાં આવી હતી અને દેશી દારૂના ધંધાર્થીઓ પર એક સાથે સામુહિક દરોડા પાડી પોલીસે બુટલેગરોને ખો ભુલાવી દેવા કાર્યવાહી કરી હતી. પરંતુ હવે આ કાર્યવાહી બાદ શું શહેરમાં દારૂનું વેચાણ બંધ થશે કે કેમ ? તે હવે જોવાનું રહ્યું છે.