દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત નશાયુક્ત સીરપ અને ટેબલેટના વેચાણ સામે પોલીસની તવાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાના કાળા કારોબાર એવા કોડેઇનયુક્ત સીરપ તેમજ નશાકારક દવાઓના ગેરકાયદેસર રીતે થતા વેચાણ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લામાં માન્ય તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ તથા નશાકારક પદાર્થોનું વેચાણ કરવા કરતાં ઈસમો વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતા તેમજ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તેમજ મેડિકલ એજન્સીઓમાં ચેકિંગ અંગેની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા વિસ્તારમાંથી ધનજી રામજી ધુમાડિયા (રહે. સુરજકરાડી) નામના શખ્સને બુધવારે 11,147 ની કિંમતની 1126 નંગ નશાકારક ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ઘટક ધરાવતી કેપ્સુલ સાથે દબોચી લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જિલ્લા એસ.ઓ.જી. વિભાગ દ્વારા જિલ્લામાં અલગ અલગ મેડિકલ સ્ટોર પર ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 113 મેડિકલ સ્ટોર ખાતે નશાકારક દવાઓ સંબંધી ચેકિંગ કરાયું હતું. આ કામગીરી દરમિયાન છ મેડિકલ સંચાલકો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવતો હોવાનું ખૂલતાં તેઓ વિરુદ્ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વર્ષ 2022 થી 2025 સુધીના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને ગેરકાયદેસર નશાકારક દવાઓના મોટા જથ્થાઓ સાથે આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. જેમાં વર્ષ 2023 ના સમયગાળામાં કલ્યાણપુર તાલુકામાં રાજેશ ગોકર ડાભી અને ગોપાલ દેવશી પરમાર નામના શખ્સોને રૂૂપિયા અઢી લાખથી વધુની કિંમતની 1608 નશાકારક કોડેઈન યુક્ત સીરપની બોટલો સાથે ઝડપી લઇ, એનડીપીએસ એક્ટ હેઠળ કલ્યાણપુર પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત ઓગસ્ટ 2023 માં એસ.ઓ.જી. પોલીસે અનિલ ઉમેશ બાંભણિયા (રહે. આરંભડા) અને રવિ રામ કરમુર (રહે. ભાટીયા) ને 1976 કેપ્સુલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, તેઓ દ્વારા નશો કરવાની ટેવવાળા ગ્રાહકોને ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું હતું. જે અંગે પણ ધોરણસર ગુનો નોંધાયો હતો.
આ ઉપરાંત આ જ સમયગાળામાં સલાયાના મહંમદમિયા જાવેદમિયા કાદરી તેમજ તાલબ ઈસ્માઈલ થૈયમ (રહે. ખંભાળિયા) સામે પણ નશાકારક કેફી સીરપની બોટલોના વેચાણ સંદર્ભેનો ગુનો નોંધાયો હતો.જાન્યુઆરી 2024 માં એસ.ઓ.જી. વિભાગ દ્વારા ખંભાળિયાના ઈરફાન ઉર્ફે બાપુ અલારખા શેઠા અને વિજય મથુરાદાસ ગોંડીયા સામે નશાકારક ટેબલેટના વેચાણ સંદર્ભેનો ગુનો નોંધી, મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં ફેબ્રુઆરી 2024 માં સલાયા મરીન પોલીસ દ્વારા સાલેમામદ હાસમ ભટ્ટીના કબજામાંથી નશાકારક કોડેઇનયુક્ત 27 બોટલ કબજે લઈ, ગુનો નોંધાયો હતો.
આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા નશાકારક પદાર્થો સામે હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહી સમગ્ર રાજ્યભરમાં નોંધપાત્ર બની રહી છે. જે માટે દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ., તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર કામગીરી કરાઈ હતી. જેથી આવી ચીજ વસ્તુઓ કે પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.