પાટડીમાં ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી પોલીસે બે શખ્સોને 68 કિલો પોષડોડા સાથે ઝડપી લીધા
પાટડી પોલીસે 2 શખસને રૂૂ. 4.63 લાખના 67 કિલો 900 ગ્રામ પોષ ડોડવાના જથ્થા સાથે ઝબ્બે કર્યા છે. જેમાં પાટડી અને બજાણા પોલીસે ફિલ્મી ઢબે બોલેરો ગાડીનો પીછો કરી રૂૂ. 2,03,700ની કિંમતનો પોષ ડોડવાના જથ્થા અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ. 4,63,700નો મુદ્દામાલ સાથે 2 શખસને ઝબ્બે કરી 3 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાટડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે જૈનાબાદ દસાડા તરફથી આવતી સફેદ કલરની મહિન્દ્રા બોલેરો ગાડીને પાટડી ચાર રસ્તા પાસે આંતરવા છતાં કાર ચાલક પોતાની કાર બજાણા તરફ હંકારી ગયો હતો. આથી આ બાબતે બજાણા પીઆઇ એમ.બી. બામ્ભા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આ કારને રોકવાનો પ્રયત્ન કરવા છતાં કાર ચાલક ધ્રાંગધ્રા તરફ કાર હંકારી ગયો હતો.
જેનો પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરતા કાર આગળ જઈને પલ્ટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર આરોપીઓ ભાગવા જતા પોલીસે એમનો પીછો કરી દબોચી લીધા હતા. જેમાં આરોપી સોખલા, બાડમેર રાજસ્થાનના અશોક પ્રહલાદરામ જાટ અને ટીકમારામ પ્રહલાદરામ જાટ પાસેથી રૂૂ. 2,03,700ની કિંમતનો ગેરકાયદે પોષ ડોડવાનો 67 કિલો 900 ગ્રામ અને અન્ય સહિત કુલ રૂૂ. 4,63,700નો મુદ્દામાલ ઝબ્બે કર્યો હતો.
પકડાયેલા બંને આરોપીઓ સહિત આરોપી યુમલી, બાડમેર રાજસ્થાનના રમેશકુમાર પુનમારામ જાટ વિરૂૂદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાટડી પોલીસના આ દરોડામાં ભારતસિંહ જાડેજા, દાનાભાઇ રંજીયા, જેરામભાઈ કલોતરા અને અનિલદાન ગઠવી સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.