જૂનાગઢમાં મજેવડીકાંડના દોઢ વર્ષથી ફરાર આરોપીને પકડી લેતી પોલીસ
જૂનાગઢ એ ડિવિઝન પોલીસે મજેવડી દરવાજા પાસે પોલીસ પર થયેલા હુમલાના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા અભિયાન અંતર્ગત આ સફળતા મળી છે.ગુના નિવારણ સ્કવોડના PSI વાય.એન.સોલંકી અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ વાઢેળને બાતમી મળી હતી કે આરોપી હમિદ માલવીયા સુખનાથ ચોક વિસ્તારમાં જોવા મળ્યો છે.
આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેણે પોતાની ઓળખ હમિદ હનિફ માલવીયા ઘાંચી તરીકે આપી હતી. તે કુંભારવાડા વિસ્તારમાં હનુમાન મંદિર સામે, ભાટિયા ધર્મશાળા રોડ પર રહે છે અને ગેરેજનો વ્યવસાય કરે છે. પોલીસે આરોપીને વધુ તપાસ માટે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો છે.આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર બી.બી.કોળી, PSI વાય.એન.સોલંકી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ગુના નિવારણ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા નાસતા-ફરતા આરોપીઓ અને જેલ ફરાર કેદીઓને પકડવાનું અભિયાન ચાલુ છે.