For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાત્રાધામ હર્ષદમાં શિવલિંગની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ ઊંધા માથે

11:35 AM Feb 26, 2025 IST | Bhumika
યાત્રાધામ હર્ષદમાં શિવલિંગની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ ઊંધા માથે

ડોગ સ્કવોડ, એફએસએલની પણ મદદ લેવાઇ, ગોતાખોરોને દરિયામાં ઉતારાયા, શકમંદોની પૂછપરછ

Advertisement

આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી એક પ્રાચીન શિવ મંદિરમાં કોઈ તત્વોએ ખોદીને થાળું તથા શિવલિંગની ઉઠાંતરી કર્યાના બનાવના પ્રકરણમાં જિલ્લા પોલીસની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.

સમગ્ર જિલ્લામાં સરકારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ પાસે આવેલા પ્રાચીન શ્રી ભીડભંજન મહાદેવના મંદિરમાં કોઈ શખ્સો દ્વારા ખોદીને અહીં રહેલું શિવલિંગ તેમજ થાળું ઉઠાવી જવાના બનાવ માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ઘટના સ્થળે રૂૂબરૂૂ જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ભીડભંજન મહાદેવ મંદિર આશરે સાતમી-આઠમી સદીનું પૌરાણિક અને પ્રાચીન મંદિર છે. અહીં અર્ધનારેશ્વર મૂર્તિના શૃંગાર તથા પૂજાનો મહિમા ખૂબ જ છે. અહીં પૂજારી દ્વારા કોઈપણ પ્રકારની દક્ષિણાના મોહ વગર ઇચ્છિત પૂજા કરાવવામાં આવે છે. જેથી આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે.

આજરોજ શિવરાત્રીનો પાવન દિવસ હોય, અહીં શિવ શૃંગાર કરવા માટે ગઈકાલે મંગળવારે સવારે પૂજારી પહોંચતા પગથિયાં ચડતાની સાથે જ મંદિરના ખુલ્લા દરવાજા જોતા અને થાળું તથા શિવલિંગ ગાયબ હોવાથી તેમને તુરંત જ આસપાસના લોકોને બોલાવી કલ્યાણપુર પોલીસને જાણ કરી હતી.

હિન્દુઓની આસ્થાના દેવ મહાદેવનો આજરોજ બુધવારે મોટો તહેવાર શિવરાત્રીના આગલા દિવસે આ બનાવ બનતા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય આ મંદિર સ્થળે તુરંત પહોંચ્યા હતા. સાથે સ્થાનિક ગુના શોધક શાખા, એસ.ઓ.જી. અને કલ્યાણપુર પોલીસની ટીમ સાથે ડીવાયએસપી સાગર રાઠોડએ અહીં જુદી જુદી દિશામાં તપાસ આરંભી હતી.

આ મંદિરનું ખૂબ જ વજનદાર થાળું દરિયાકાંઠાના વિસ્તારમાંથી મળી આવ્યું હતું. ત્યાર બાદ ચુનંદા તરવૈયાઓ તેમજ દ્વારકાના સ્પેશિયલ સ્કુબા ડાઇવરોને બોલાવી અને આસપાસના દરિયામાં ગોતાખોરી કરવામાં આવી હતી. મંદિરનું શિવલિંગ કોઈ તત્વો દરિયામાં પધરાવી ગયાની દિશામાં પણ સધન તપાસ કરવામાં આવી હતી.

આ સાથે ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તે દરિયા પાસે આવીને અટકી ગયો હતો. ત્યાંથી કોઈ વાહનમાં આ સામાજિક તત્વો ચાલ્યા ગયા હોવાની સંભાવના પરથી નજીકના વિસ્તારમાં ફૂટેજ ચેક કરવામાં પણ આવ્યા હતા.
આ ચકચારી પ્રકરણમાં પોલીસે ધોરણસર ગુનો નોંધી, એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી સ્ક્વોડ દ્વારા જુદા જુદા સ્થળોની તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

હર્ષદ વિસ્તારમાં અગાઉ પોલીસ તથા રેવન્યુ તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનનો ખાર રાખીને કોઈ અસામાજિક તત્વો દ્વારા શિવરાત્રીને આગલા દિવસે આ કૃત્ય કરાયું છે કે કોઈ વ્યક્તિએ ઈરાદાપૂર્વક શિવરાત્રીના હિન્દુ તહેવાર પહેલા આવું કૃત્ય કરીને શંકા કોઈ અન્ય શખ્સો પર જાય તેવું કૃત્ય તો નહીં કરાયું હોય ને? તે દિશામાં પણ પોલીસ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ચકચારી પ્રકરણમાં શિવરાત્રી પૂર્વે શિવલિંગ ગુમ થયાની દ્વારકા જિલ્લાની આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પણ પડતા તંત્ર દોડતું થયું છે. રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા મંદિરના પરમ ઉપાસક હોય, તેમણે પણ આ બનાવથી દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને આ બનાવનો ભેદ તાકીદે ઉકેલવા તંત્રને પગલાં લેવા જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement