યુવતીના ભાવિ મંગેતરનું ફેક ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવી અભદ્ર ભાષા સાથે ફોટા વાયરલ
રાજકોટની યુવતીના ભાવિ મંગેતરનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના સંબંધી શખ્સે જ તે આઈડીમાં યુગલના ફોટા વાયરલ કરી અભદ્ર ભાષામાં મેસેજ કર્યાનો બનાવ સામે આવતા ચકચાર જાગી ગઈ હતી. બનાવ અંગે રાજકોટ સાઇબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી આરોપીને દબોચી લેવા તજવીજ હાજરી હતી.પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં રહેતી એક યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર શખ્સનું નામ આપતા સાયબર ક્રાઇમની ટીમે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણીની સગાઈ થઈ છે અને આગામી સમયમાં જ તેણીના લગ્ન પણ છે.
દરમિયાન તેમના ધ્યાને આવ્યું કે, તેમના પતિના નામનું કોઈએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલ છે અને તે ફેક આઈડીમાં યુવતીના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી બંને યુગલના ફોટા મેળવી લઈ તે ફોટા ફેક આઈડી પર વાયરલ કર્યા હતા. ઉપરાંત તે વાયરલ કરેલ ફોટાની સાથે અભદ્ર ભાષામાં મેસેજ પણ કરેલ હતા. જે અંગેની બાબત તેણીની સામે આવતા તુરંત જ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જે.એમ.કૈલાએ તુરંત જ તપાસનો ધમધમાટ આદર્યો હતો અને તપાસ કરતા ફેક આઈડી બનાવનાર યુવતીનો સંબંધી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડવા તજવીજ આદરી છે.