ખરાબ રસ્તાથી ત્રાહિમામ મહિકા ગામના લોકોનો ભાવનગર હાઇવે પર ચક્કાજામ
ઢોલ નગારા સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ: અડધો કલાક હાઇ-વે પર ટ્રાફિકજામ સર્જાતા તંત્ર દોડતું થયું
નબળી ગુણવતાના કારણે નેશનલ હાઇવે સહીત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રસ્તાઓની બિસ્માર હાલત થઇ ગઇ છે અને છાશવારે અકસ્માત સર્જાતા લોકો જીવ ગુમાવી રહ્યા છે. બિસ્માર રસ્તા બાબતે ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ ભાવનગર હાઇ-વે પર શહેરની ભાગોળે આવેલ મહીકા ગામના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ નગારા સાથે હાઇવે પર હલ્લાબોલ કરતા ચક્કાજામ કર્યા હતા જેના કારણે રાજકોટ ભાવનગર હાઇવે પર અડધો કલાક ટ્રાફિકજામ સર્જાયો હતો અને તંત્ર દોડતું થયું હતું.
મહિકા ગામના સરપંચ બાબુભાઈ મોલિયાએ જણાવ્યું હતું કે, મહિકા ગામમાં 20થી 22 જેટલી સોસાયટીઓ છે, પરંતુ સોસાયટીવાળાઓએ રાજીનામાં આપ્યા નથી. સોસાયટીઓમાંથી રાજીનામા મારા ચોપડે આવે તો મને ગ્રાન્ટ મળે. રસ્તા સહિતની સુવિધાઓ રૂૂડા દ્વારા આપવી જોઈએ. જોકે રૂૂડામાંથી જવાબ એવો મળે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી. જો રૂૂડા પાસે ગ્રાન્ટ ન હોય તો પંચાયત પાસે આવડી મોટી ગ્રાન્ટ કઈ રીતે હોય.
પબ્લિક ખૂબ જ હેરાન થાય છે, જેથી રૂૂડા દ્વારા અતિ ખરાબ રસ્તાઓ નવા બનાવવામાં આવે તે ખૂબ જ જરૂૂરી છે. જૂની વસ્તી ગણતરી મુજબ મહિકા ગામમાં 2600ની વસ્તી છે, પરંતુ હાલ અહીં વસ્તી વધીને 26,000 સુધી પહોંચી ગઈ હશે. મહિકા ગામમાં ખરાબ રસ્તાની સમસ્યાઓ બાબતે અગાઉ અનેક વખત રજૂઆતો કરેલી છે, પરંતુ કોઈ જવાબ મળતો નથી. જેને કારણે આજે અમે રાજકોટથી ભાવનગર જવાના હાઈવે રોડ પર ચક્કાજામ કર્યો છે. અહીં સોસાયટીઓમાં તો ખૂબ જ મોટા ખાડા છે, પરંતુ મુખ્ય રસ્તાઓ પણ ખરાબ છે. બે વર્ષ પહેલાં અહીં મુખ્ય રસ્તાઓ ઉપર મેટલ પાથરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આજે બે વર્ષ પછી પણ હજુ સુધી રોડ બનાવવા કોઈ આવ્યું નથી. અમારી માંગણી છે કે, અહીં આરસીસી રોડ બનાવવામાં આવે, જેથી 10 વર્ષ જેટલો લાંબો સમય ટકે. મહીકા ગામના લોકોએ વિરોધ બાદ કલેકટરને પણ આવેદન પાઠવી યોગ્ય કરવા માંગ કરી હતી.