ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વોકિંગ માટે આવતા લોકોને લુખ્ખાઓનો ત્રાસ, વીડિયો વાયરલ
ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સાંજે વોકીંગ માટે આવતા તબીબ સહિતના લોકો ઉપર લુખ્ખાઓએ ત્રાસ ગુજારી ગ્રાઉન્ડ ખાલી કરાવતા તેનો વિરોધ કરનાર કેટલાક યુવકો ઉપર આ લુખ્ખાઓએ સરાજાહેર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના વખતે પોલીસ ત્યાં આવ્યા છતાં લુખ્ખાઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરતા પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે. આ વાયરલ થયેલા વિડિયો મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલની પણ ભુંડી ભુમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મળતી વિગતો મુજબ ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમા દરરોજ સાંજે ગોંડલના વેપારીઓ,તબીબો સહિતના ભદ્રસમાજના લોકો વોકીંગ માટે આવતા હોય ત્યારે આ ગ્રાઉન્ડમાં પડ્યા પાથર્યા રહેતા કેટલાક નશાખોરોએ છેલ્લા ઘણા દિવસથી વોકિંગમાં આવતા લોકોને ત્યાંથી હાંકી કાઢવા ધમપછાડા કર્યા હોય આ ઘટના અંગે વોકિંગમાં આવતા લોકોએ વિરોધ કરતા આ લુખ્ખાઓએ ધોકા લઈ સરાજાહેર આતંક મચાવી દીધો હતો.
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડની બહાર આ લુખ્ખાઓ ધોકા લઈને હુમલાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનામાં ગોંડલના એક પોલીસ કોન્સ્ટેબલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.
જે પણ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં લુખ્ખાઓ સાથે આંટાફેરા કરતો હોય આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ગોંડલ પોલીસ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે દોડી ગઈ હતી અને ત્યાં માથાકુટ કરનાર ટોળકી હાજર હોવા છતાં પોલીસે કાર્યવાહી કર્યા વિના ત્યાંથી ચાલતી પકડી હતી. ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલમાં વોકીંગ માટે આવતા લોકોએ આ મામલે પોલીસ અધિકારીને પણ જાણ કરી હતી. હવે આ વાયરલ થયેલા વીડિયો મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.