લૂંટ-ધાડના કેસમાં નિર્દોષ છૂટેલા શખ્સો ટ્રાયલ દરમિયાન હાજર નહી રહેતા ગુનો નોંધાયો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં 2016ની સાલમાં લૂંટ ધાડની કોશિશનો ગુનો નોંધાયો હતો, જે કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરાયા બાદ કેસ ચાલી જતાં ત્રણેયનો છુટકારો થયો હતો. પરંતુ આરોપીઓ જામીન મુક્ત થયા પછી એક પણ વાર હાજર નહીં થતાં ત્રણેય સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે.
મૂળ મધ્ય પ્રદેશના વતની કૈલાશ કનૈયાલાલ વસુનીયા, જમરાભાઈ નાનુભાઈ મરછાર તેમજ ભવનભાઈ શોભાભાઈ ચૌહાણ કે જે ત્રણેય સામે 2016 ની સાલમાં ધ્રોળ તાલુકાના જાયવા ગામની સીમમાં લૂંટ ધાડ ની કોશિશ કરવા અંગે ગુન્હો નોંધાયો હતો. જે કેસમાં ધ્રોલ પોલીસ દ્વારા અગાઉ ત્રણેય ની અટકાયત કરી અદાલતમાં રજૂ કરાયા હતા, ત્યારબાદ ત્રણેયને જામીન મુક્ત કરાયા હતા. જે અંગેનો કેસ જામનગરની સેશન્સ અદાલતમાં ચાલી ગયો હતો. જેમાં અદાલતે ત્રણેય આરોપીઓનો છુટકારો ફરમાવ્યો હતો.
પરંતુ ચાલુ કેસની ટ્રાયલ દરમિયાન ત્રણેય આરોપીઓ એક પણ વખત અદાલત સમક્ષ હાજર થયા ન હોવાથી રજિસ્ટ્રેટ દ્વારા તેઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 229 એ મુજબ ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. જેના આધારે ધ્રોળ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા જાતે ફરિયાદી બન્યા છે, અને ત્રણેય આરોપીઓ સામે નવો ગુનો નોંધી તેઓની શોધખોળ માટે તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવાયો છે.