જંકશન પ્લોટમાંથી 3.67 લાખના હેરોઇન સાથે પેડલર ઝડપાયો
રાજસ્થાનનો સપ્લાયર જથ્થો આપી ગયાનું ખુલ્યું, માત્ર કાયમી વિશ્ર્વાસુ ગ્રાહકોને જ હેરોઇન વેચતો હતો
રાજસ્થાની શખ્સ ત્રીજીવાર હેરોઈન આપી ગયો હોવાની આરોપીની કબૂલાત
શહેરનાં જંકશન પ્લોટમાથી એસઓજીની ટીમે રૂ. 3.67 લાખના બ્રાઉન સુગરનાં જથ્થા સાથે પેડલરને ઝડપી લીધો હતો જેની પુછપરછમા આ જથ્થો રાજસ્થાનનો સપ્લાયર આપી ગયો હોવાનુ અને પેડલર દ્વારા પોતાના વિશ્ર્વાસુઓને હેરોઇન વેચતો હોવાનુ પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યુ છે.
મળતી વિગતો મુજબ જંકશન પ્લોટમા એક શખ્સ બ્રાઉન સુગર (હેરોઇન) નો જથ્થો વેચવા આવ્યો હોવાની બાતમીનાં આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન ગાયકવાડી શેરી નં 4 નાં ખુણેથી શાહરૂખ ઉર્ફે ડોનુ અમીન વિકયાણીને અટકાવી તલાસી લેતા તેનાં ખીસ્સામાથી હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીની ટીમે રૂ. 3.67 લાખનો 73.પર0 ગ્રામ હેરોઇનનો જથ્થો કબજે કરી શાહરૂખની પુછપરછ કરતા જાણવા મળ્યુ કે રાજસ્થાનનો એક શખસ તેને આ હેરોઇનનો જથ્થો આપી ગયો હતો. અગાઉ પણ બે વખત રાજસ્થાની શખસ પાસેથી તેણે માદક પદાર્થ હેરોઇનનો જથ્થો મંગાવ્યો હતો.
પકડાયેલ શાહરૂખ પોતાનાં કાયમી અને વિશ્ર્વાસુ ગ્રાહકોને જ આ જથ્થો વેચતો હતો. આ મામલે એસઓજીની ટીમે શાહરૂખનાં રીમાન્ડ મેળવવા તજવીજ હાથ વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ની સુચનાથી એસઓજીનાં પીઆઇ એસ. એમ. જાડેજા, એન. વી. હરીયાણી સાથે ટીમનાં વિરેન્દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, હરદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ ગોહીલ, ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, નરપતસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.
આ મામલે હાલ આરોપી શાહરૂખ ઉર્ફે ડોનુને પ્રનગર પોલીસ મથકમા સોપવામા આવ્યો છે. હાલ આ ગુનાની તપાસ પ્રનગર પોલીસ મથકનાં પીએસઆઇ રાણીંગા ચલાવી રહયા છે તેમજ હેરોઇન મામલે રીમાન્ડ મેળવવા આજે તેમને કોર્ટમા રજુ કરાયો હતો.