કાર ભાડે લઇ મુંબઈથી 12.89 લાખનું ડ્રગ્સ લાવનાર પેડલર ઝડપાયો
શહેરના નવા 150 ફૂટ રિંગરોડ પરથી એસઓજીની ટીમે રાણાવાવના પેડલરને 12.89 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.રાણાવાવનો શખ્સ અગાઉ જામગનરમાં બે વખત ડ્રગ્સ સાથે ઝડપાયા બાદ દોઢ વર્ષ સુધી જેલમાં હતો જેલ માંથી છુટ્યા બાદ ફરી તે ડ્રગ્સની હેરાફેરીનું કામ કરવા લાગ્યો હતો. એસઓજીની ટીમે તેની પાસેથી કાર સહીત કુલ રૂૂ.17.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે આગળની તપાસ હવે યુનિવર્સીટી પોલીસ ચલાવી રહી છે.
શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાને આધારે રાજકોટ શહેર એસ.ઓ.જી શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે નવા 150 ફૂટ રીંગ રોડ પર હોટલ રોયલ રીટ્રીટ પાસે વર્ધમાન એવન્યુ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી કાર નંબર જીજે 03 એલબી 3218ને અટકાવી તલાશી લેતા પોરબંદરના રાણાવાવના મુસ્તાક રજાકભાઇ શેખ (ઉ.વ.33) પાસેથી 12.89 લાખના 128.9 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત એક મોબાઈલ ફોન, કાર અને રોકડા રૂૂા.1500 મળી કુલ રૂૂા. 17.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, મુસ્તાક 2018ની સાલમાં જામનગરના બી-ડિવીજન અને 2023ની સાલમાં જામનગરના એ-ડિવીઝન પોલીસ મથકમાં 60 અને 54 ગ્રામ માદક પદાર્થના કેસમાં જ પકડાઈ ચૂકયો છે. આ બંને કેસમાં તે 18 મહિના અને 9 મહિના જેલમાં પણ રહી ચૂકયો છે. આમ છતાં તેણે ડ્રગ્સનો વેપલો બંધ કર્યો ન હતો. મુસ્તાક મુંબઈથી ડ્રગ્સ લઈ આવતો હતો આ ડ્રગ્સ તે કોને આપવા જતો હતો તે સહિતના મુદ્દે હવે પોલીસ તપાસ કરશે.
જેમાં નવા ખુલાસા થવાની સંભાવના છે. મુસ્તાક પાસે જે રાજકોટ પાસીંગની કાર હતી તે તેણે ભાડે લીધાનું એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું. ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી બી.બી.બસીયાની સુચના અને માર્ગદર્શન એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.બી.માજીરાણા સાથે સ્ટાફના હાર્દિકસિંહ પરમાર, ફિરોજભાઈ રઠોડ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, મૌલિકભાઈ સાવલિયા, અરુણભાઈ બાંભણીયા, યોગેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.