શહેરમાં પીસીબીના દેશી અને વિદેશી દારૂના આઠ દરોડા, 4 મહિલા સહિત 7 ઝડપાયા
રાજકોટમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીની ટીમ સતત ધોસ બોલાવી રહી છે. ત્યારે પીસીબીની ટીમે એક જ દિવસમાં દેશી અને વિદેશી દારૂના 8 દરોડામાં ચાર મહિલા સહિત સાતને ઝડપી લીધા હતાં. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પીસીબીએ 168 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ખેરડી પાસેથી ઝડપી પાડી હતી. જ્યારે આજીડેમ વિસ્તારમાં દેશી દારૂના સાત દરોડામાં 119 લિટર દેશી દારૂ કબ્જે કર્યો હતો.
પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે. હુણ અને તેમની ટીમે બાતમીના આધારે પાડેલા દરોડામાં ખેરડી ગામ રોડ ઉપર જવાના રસ્તે ક્રેટા કાર નંબર જીજે 3 પીએ 6201ને અટકાવી ત્યારે પોલીસને જોઈ કાર ચાલકે આગળ કાર થંભાવી ભાગી ગયો હતો. આ કારમાંથી 168 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. 1.11 લાખના દારૂ તથા કાર સહિત પોલીસે રૂા. 11.14 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. આ કારમાં દારૂ ભરીને દુધસાગર રોડ પર રહેતા દિપક વલ્લભ મકવાણા લાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પીસીબીની ટીમે દેશી દારૂના પાડેલા દરોડામાં આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં ગુલાબનગરમાંથી મિત્તલબેન કિશોરભાઈ સનુરાને 10 લિટર, કોઠારિયા ગુલાબનગરમાંથી વિકાસકુમારસિંહ દશરતસિંહ લોહમતિયાને 15 લિટર સાથે આજીડેમ ચોકડી પાસેથી મુકેશ સુરાભાઈ મેટરિયાને 17 લિટર વેલનાથપરા નજીકથી રવિ લખમણ દલસાણિયાના 13 લીટર, કોઠારિયા સોલવન્ટ પાસેથી જીવતીબેન વિનોદભાઈ પરમારને 35 લિટર, સલમાબેન હનિફભાઈ જુનેજાને 10 લિટર અને સરોજબેન રમેશભાઈ રાઠોડને સાગરનગરમાંથી 19 લિટર દેશી દારૂ સાથે ઝડપી પાડી હતી.