‘તારા બાપની હોસ્પિટલ નથી’ કહી મહિલા સફાઈ કર્મી પર દર્દીના સગાનો મોબાઈલથી હુમલો
રાજકોટ સિવિલ હોિસ્પિટલમાં તબીબ, નર્સિંગ કર્મચારીઓ ઉપર દર્દીના પરિવારજનો દ્વારા હુમલાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. આવા બનાવો અટકાવવા માટે નિવૃત આર્મીમેનની સિક્યુરીટી ગાર્ડમાં ભરતી કરવામાં આવી છે. આમ છતાં હુમલાની ઘટના અટકવાનું નામ નથી લેતી ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. સિવિલના ટ્રોમા સેન્ટરમાં મહિલા સફાઈ કર્મચારી ઉપર દર્દીના સગાએ ‘તારા બાપની હોસ્પિટલ નથી’ તેમ કહી મોબાઈલ વડે હુમલો કર્યો હતો. દરમિયાન છોડાવવા જતાં મહિલા સિક્યુરીટી ગાર્ડને પણ માર મારવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં સુખસાગર સોસાયટી શેરી નં. 3 માં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતા જોશનાબેન દિપકભાઈ સોલંકી (ઉ.વ.33) આજે સવારે સિવિલના ટ્રોમા સેન્ટરમાં ચોથા માળે સફાઈ કરતા હતા દરમિયાન દર્દીના સગાને દૂર જવાનું કહેતા તે મહિલાએ ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી ‘તારા બાપની હોસ્પિટલ નથી’ તેમ કહી મોબાઈલ વડે હુમલો કરી માર માર્યો હતો.
જેથી વોર્ડમાં હાજર મહિલા સિક્યુરીટી ગાર્ડ છોડાવવા વચ્ચે પડતા દર્દીના સગાએ સિક્યુરીટી ગાર્ડને પણ માર માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત મહિલા સફાઈ કર્મી જોશનાબેનને ઈજા થતાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ અંગે પ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.