વેરાવળ-શાપરમાં સરકારી ખરાબાની જમીન શરત ભંગ કરવાનો હુકમ
કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ગામમાં સરકારી ખરાબામાંથી વાણિજ્યિક હેતુ માટે ફાળવવામાં આવેલ એક પ્લોટની જમીન, ફાળવણીની શરતોનો ભંગ થતાં આખરે સરકાર હસ્તક પરત લઈ લેવામાં આવી છે. આશરે 14.87 ચો.મી.ની આ જમીન નવી અને અવિભાજ્ય શરતથી ફાળવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, વેરાવળ (શાપર) ગામના સર્વે નંબર 298 પૈકીનો વાણિજ્ય હેતુ માટેનો પ્લોટ નં.17, વિનોદભાઈ છગનલાલ પરમારને વર્ષ 1994માં આસી. કલેક્ટર રાજકોટના હુકમથી ફાળવવામાં આવ્યો હતો. જોકે, ફાળવણીના હુકમની મુખ્ય શરતોનું પાલન અરજદાર દ્વારા થયું ન હતું.
શરત નં. 9નો ભંગ જમીન મળ્યાની તારીખથી બે વર્ષમાં બાંધકામ પૂર્ણ કરીને જમીનનો ઉપયોગ શરૂૂ કરવાનો હતો, જે કરવામાં આવ્યો નહોતો. હુકમની તારીખથી છ માસની અંદર મકાનના બાંધકામ માટે સાઈટ એલિવેશન અને ડિટેઈલ બિલ્ડીંગ પ્લાન મંજૂર કરાવવાનો થતો હતો, જે સમયમર્યાદામાં કરાવવામાં આવ્યો નહોતો. વર્ષ 2018માં લાભાર્થી દ્વારા આ જમીનનું વેચાણ કરવાની પરવાનગી માંગવામાં આવી હતી.
પરંતુ કલેક્ટર, રાજકોટ દ્વારા શરતભંગના મુદ્દે વેચાણની મંજૂરી નામંજૂર કરવામાં આવી અને શરતભંગની કાર્યવાહી કરવા આદેશ કરાયો.મામલતદાર કોટડા સાંગાણીની કચેરી દ્વારા આ કેસ નોંધીને તા. 31/03/2021ના રોજ લાભાર્થીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ-79(એ)(બી), 202 તેમજ નિયમો 100 અને 171 અન્વયે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
લાંબા સમય સુધી ચાલેલી સુનાવણી અને વખતોવખતની મુદતો (તા. 07/10/2025 સુધી) દરમિયાન, સામાવાળા તરફથી મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ લેખિતમાં કોઈ ખુલાસો કે આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. રેકોર્ડ પરથી સ્પષ્ટ થયું હતું કે, ફાળવણીના મૂળભૂત હેતુ અને શરતોનો ભંગ થયો છે, અને જમીનનો ઉપયોગ ક્યારેય શરૂૂ કરાયો નથી. ગુણદોષના આધારે નાયબ કલેકટર મહેક જૈન દ્વારા નિર્ણય લેતાં, મામલતદાર, કોટડા સાંગાણીએ અંતિમ હુકમ કર્યો છે.
કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ગામના સ.નં.298 પૈકીની વાણિજ્ય હેતુ માટેની જમીન ચો.મી.14.87 વિના બોજે, વિના વળતરે સરકાર દાખલ કરવા આથી હુકમ કરવામાં આવે છે. મામલતદારની સવાલવાળી જમીનનો કબજો સત્વરે સરકારપક્ષે સંભાળી લેવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
