નાનાભાઇએ વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણીથી મોટાભાઇનો આપઘાત
થાનગઢમાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાય જવા પામી છે. નાનાભાઇએ વ્યાજે પૈસા લીધા બાદ તેનુ અવસાન થતા વ્યાજખોરો મોટાભાઇ પાસે પઠાણી ઉઘરાણી કરી હેરાન કરી હોવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ થાનગઢમાં રાજીવનગર વિસ્તારમાં રહેતા હસમુખ દેવસુરભાઇ જાદવ (ઉ.વ.30)નામના યુવાને આજે સવારે પોતાન ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નીયજ્પુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક હસમુખ બે ભાઇ એક બહેનમાં મોટો અને મજૂરી કામ કરતો હતો. વધુ તપાસમાં તેના નાનાભાઇ મહેશે વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લીધા હોય દરમિયાન 15 દિવસ પહેલા નાનાભાઇ મહેશનું અવસાન થયું હતુ.
બાદમાં મહેશની પત્ની સોનીબેન પણ ઘરેથી જતા રહ્યા હોય જેથી વ્યાજખોરો નાનાભાઇને વ્યાજે આપેલા પૈસાની હસમુખ પાસે પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતા હોય અને ધમકી આપતા હોય જેથી કંટાળી તેણે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાય જવા પામી છે.