નાકરાવાડીમાં જૂની અદાવતમાં ધબધબાટી: તોડફોડ, ત્રણ ઘવાયા
રાત્રે સાતેક શખ્સોએ સોડા બોટલના ઘા કર્યા: પિતા-પુત્ર ઘવાયા, બેના પગ ભાંગ્યા: રાત્રે જ પોલીસના ધાડેધાડા ઉતર્યા: ચાંપતો પોલીસ બંદોબસ્ત: પોલીસ ફરિયાદ નોંધાઇ
રાજકોટમાં પોલીસ દ્વારા ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેન વીજ કનેકશન કાપવા અને તેના રહેઠાણ પર બુલડોઝર ફરી રહ્યા છે ત્યારે બીજી બાજુ શહેરમાં ધોળે દિવસે અને રાત્રીના સમયે જાહેરમાં મારામારીની ઘટનાઓ બની રહી છે. ત્યારે કુવાડવા વિસ્તારમાં સોખડા નજીક આવેલા નાકરાવાડીમાં બે જુથ વચ્ચે જુની અદાવતમાં માથાકુટ થતા મકાનમાં અને વાહનમં તોડફોડ થઇ હતી તેમજા પિતા-પુત્ર સહીત ત્રણને ઇજા થતા તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડાય હતા. આ ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટના મામલે કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, નાકરાવાડી ગામે રહેતા ભાવસિંગ શામજીભાઇ દંતેશરીયા (કોળી) (ઉ.વ.50) અને તેમનો પુત્ર રાહુલ (ઉ.વ.25) બન્ને પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના પીપળીયા ગામનો સંજય કોળી, બેચર કોળી અને તેની સાથેના સાત અજાણ્યા માણસો બાઇકમાં આવ્યા હતા અને સોડા બોટલના ઘા કરી ધોકા વડે માર મારતા માથે અને શરીરે ઇજા થઇ હતી.
આ ઘટનામાં બન્નેના પગ ભાંગી ગયા હોવાનું તબીબોએ કહ્યું હતું. બન્નેને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રાહુલ પાસેથી જાણવા મળ્યું હતું કે પોતે ઇમીટેશનનું કામ કરે છે અને પિતા મજુરી કામ કરે છે. આઠ મહીના પહેલા ગામમાન અગીયારસનો રામાપીરનો મેળો હતો ત્યારે આરોપીઓ ત્યાં દારૂ ઢીંચીને આવ્યા હતા અને ગાળો બોલતા હતા ત્યારે તેમને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ આ બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.
આ બનાવમાં ભાવસિંગના પડોસમાં રહેતો પ્રકાશ રાજુ વઢલીયા (ઉ.વ.44) જે રાત્રે સુતો હતો ત્યારે ત્રણેક વાગ્યે આરોપીઓએ સોડા બોટલનં ઘા કરતા અને પાઇપ મારતા હાથે પગે ઇજા થઇ હતી અને બન્ને પગે ફેકચર થયું હતું. પ્રકાશે કહ્યું કે જયારે આરોપીઓ પાડોશમાં રહેતા ભાવસિંગના ઘરે આરોપીઓને સોડા બોટલનાં ઘા કર્યા હતા અને તોડફોડ કરી હતી તે સમયે તેમણે દેકારો કરી કોઇને વાગી જશે તેમ કહેતા આરોપીઓએ તેમની પર પણ હુમલો કર્યો હતો. ઘવાયેલા ત્રણેયને સારવારમાં ખસેડાયા છે. આ અંગેની જાણ થતા કુવાડવા પોલીસનાં પીઆઇ રજીયા, અજીતભાઇ લોખીલ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ આરોપીઓ સામે રાયોટીંગ, મિલકત નુકસાન, મારામારી અને ધમકી અંગેની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.