પૂર્વ પ્રેમિકાના ઘરમાં ઘૂસી કુખ્યાત શખ્સે મંચાવ્યો આતંક, વાહનોમાં તોડફોડ
શહેરમાં લોકો પર છરીથી હુમલાની ઘટના બને છે પરંતુ પોલીસ ગુનો નોંધવા સિવાય કોઇ કાર્યવાહી કરતી હોય તેવું લાગતું નથી ત્યારે કુખ્યાત શખ્સે શનિવારે રાત્રે જીવંતિકાનગરમાં તેની પૂર્વ પ્રેમિકાના ઘરમાં ઘૂસી પૂર્વ પ્રેમિકા પર છરીથી હુમલો કર્યો હતો.તેમજ ઘરમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી અને યુવતીને બચાવવા તેના નાનીએ જાગૃતતા દાખવી હતી અને મરચાંની ભૂકી છાંટતા હુમલાખોર ઊભી પૂછડીયે ભાગ્યો હતો.
ગાંધીગ્રામ વિસ્તારમાં બટુક મહારાજ ગૌશાળા પાછળ જીવંતિકાનગરમાં રહેતા મંજુલાબેન ગોવિંદભાઇ અગ્રાવતે (ઉ.વ.71) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નામચીન કાનો ટિકિટ, તેની સાથે એક અજાણી યુવતી અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. મંજુલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્રી છે, બંને લગ્ન કરી સાસરે છે, તેમની મોટી પુત્રી આશાબેનના આગલા ઘરની પુત્રી એના જે 18 વર્ષની છે તે નાનપણથી મંજુલાબેન સાથે રહે છે.
શનિવારે રાત્રે પોણા બે વાગ્યાના અરસામાં મંજુલાબેન અને તેની ભાણેજ એના અગ્રાવત ઘરે સુતા હતા ત્યારે કાનો ટિકિટ સહિત ત્રણ શખ્સો કાલા કલરની નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવ્યા હતા. કાના સહિતના શખ્સોએ મકાનનો ડેલો તોડી ઘરમાં ઘુસ્યા હતા. કાનાના હાથમાં છરી હતી. એના અગ્રાવત ક્યાં છે તેમ કાના ટિકિટે કહેતા એના બહાર આવતા જ કાનો ટિકિટ છરીથી એના પર તૂટી પડ્યો હતો. છરીના ઘા હાથમાં ઝીંકાતા તેઓના હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું. બેફામ બનેલો કાનો ટિકિટ એનાને પેટમાં છરીનો ઘા ઝીંકવા જતો હતો તે વખતે મંજુલાબેને જાગૃતતા દાખવી મરચાંની ભૂકી કાના ટિકિટ પર છાંટી દેતા કાનો અને તેના સાગરીતો નાસી ગયા હતા. કાના અને તેના સાગરીતોએ મંજુલાબેનના પાડોશીઓના બહાર પાર્ક કરાયેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂૂ કરી હતી.