ભીમનગરમાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્રો સહિતના શખ્સોનો હુમલો
શહેરમાં મોટામવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્ર સહિતના શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકના મિત્રએ હુમલાખોર શખ્સોને એક મહિના પહેલા બકરો લેવા રૂા.5000 આપ્યા હતાં. બાદમાં હુમલાખોર શખ્સોએ કુખ્યાત શખ્સને ‘તું શુ કામ મિસ કોલ’ કરે છે તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ ઉતર પ્રદેશના વતની અને હાલ મોટામવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતાં રાજુ કૃષ્ણમુરારી યાદવ નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં મોટામવા વિસ્તારમાં આવેલ માસુમ સ્કૂલ પાસે હતો ત્યારે બનિયો દેવીપૂજક તેનો પુત્ર વિજય અને અજય સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં રાજુ યાદવ હાલ પાનની દુકાન ચલાવે છે અને અગાઉ દારૂ અને હથિયાર સાથે ઝડપાયો હતો. તેના મિત્ર દિનેશ ભુરા રાઠોડે એક મહિના પૂર્વે બનિયાને બકરો લેવા માટે રૂા.5000 આપ્યા હતાં. જે રૂપિયા પરત નહીં મળતાં દિનેશ રાઠોડે ઉઘરાણી માટે ફોન કરતાં મીસ કોલ થઈ ગયો હતો. જેથી હુમલાખોર શખ્સોએ રાજુ યાદવને ‘તું શું કામ મિસ કોલ’ કરે છે’ તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.