મારી સામે કોઇ ફરિયાદ કરતો નહીં, સમાધાન કરી લે કહી આધેડને દીકરીના પ્રેમીની ધમકી
રાજકોટ શહેરના શિતલ પાર્ક નજીક મોચીનગર શેરી નં.4માં રહેતા આધેડને દીકરીના પ્રેમીએ ફોન પર ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માધવ પાનવાળી શેરી મોચીનગર શેરી નં.4માં રહેતા લાલજીભાઇ ટપુભાઇ વાઘેલા (ઉ.વ.45) એ નવા બસ સ્ટેન્ડની સામેની શેરીમાં રહેતા દિકરીના પ્રેમી સાહીલ સંજયભાઇ પરમારનું નામ આપતા તેમના વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. લાલજીભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમની પુત્રી જીગુ (ઉ.વ.20) જે છ મહીના પહેલા સાહીલ પરમાર સાથે ભાગી ગઇ હતી અને હાલ તની સાથે રહે છે. જે યુવતી ત્રણ વાર અગાઉ સાહીલ સાથે ભાગી ગઇ હતી. તા.5/4ના રાત્રીના સમયે સાહીલનો કોલ આવ્યો હતો અને કહ્યું કે તું મારી સામે ફરીયાદ કેમ કરે છે? ફરીયાદ કરતો નહી અને મારી સાથે સમાધાન કરી લે જેથી લાલજીભાઇએ કહ્યું કે મારી દીકરીને સહી સલામત સોંપી દે જેથી સાહીલે ફોનમાં સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી.