સોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહી
નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે સોનગઢ તાલુકાના થાનગઢમાં કોલસાની બે લીઝનું નિરીક્ષણ કર્યું. સર્વે નંબર 50/પૈકી 1 અને 50/પૈકી 3 વાળી જમીનમાં આવેલી આ લીઝમાં મોટી ગેરરીતિઓ મળી આવી છે.
લીઝ હોલ્ડર ભૂપતભાઈ સતાભાઈ જાળુ દ્વારા સરકારી નિયમો અને કાયદાનું પાલન કરવામાં આવ્યું નથી. તપાસણીમાં જાણવા મળ્યું કે કોલસાના સ્ટોક અંગેનું કોઈ રજિસ્ટર નિભાવવામાં આવ્યું નથી. લીઝની બહાર ખાનગી જમીન પર મોટા પ્રમાણમાં વેસ્ટ માલનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
વિસ્ફોટક પદાર્થોના ઉપયોગનું રજિસ્ટર પણ નિભાવવામાં આવ્યું નથી. બાજુની ખાનગી ખેતીની જમીનનો બિનખેતી ઉપયોગ વગર પરવાનગીએ કરવામાં આવ્યો છે. લીઝમાં કામ કરતા મજૂરોની સુરક્ષા માટે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
લીઝમાં વપરાતા વાહનોની VTMSમાં નોંધણી કરાવવામાં આવી નથી.કાઢવામાં આવેલા કોલસાનો જથ્થો અને રોયલ્ટી પાસનું કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યું નથી. મંજૂર કરાયેલા વિસ્તાર કરતાં વધારે વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું છે. ખાણ ખનિજ અધિકારીઓએ સ્થળ પર જઈને ઓપન કટિંગ વાળા સ્થળે પાણી ભરાયેલું હોવાથી બહાર નીકળેલા ખનિજના ઢગલાઓની અને મંજૂર થયેલા વિસ્તારની માપણી કરી છે.