ગોંડલની રાજવાડીમાં થયેલા હુમલા, તોડફોડ, લૂંટ અને ફાયરિંગના ગુનામાં નવ આરોપી નિર્દોષ મુક્ત
સમગ્ર ગુજરાતભરમાં ખુબ ચર્ચિત ગોંડલની રાજવાડીનું રાજવી પરિવારે ભાજપ અગ્રણી વિનુ શીંગાળાને વહેંચાણ કર્યા બાદ કબ્જો લેવા મુદ્દે રાજવાડીમાં થયેલા હુમલા, તોડફોડ, લુંટ અને ફાયરિંગના ગુનામાં નવ આરોપી નિર્દોષ મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ગોંડલ રાજવી પરિવારે ગોંડલમાં આવેલી રાજવાડી નામે ઓળખાતી ખુબજ કિંમતી ભાજપ અગ્રણી વિનુભાઈ શીંગાળાને વહેંચાણ કર્યા બાદ રાજવાડીના કબજાને લઈને તકરાર ઉભી થઇ હતી. જે જમીનનો કબજો કરવાના આશયથી તા.18/02/2002 ના રોજ જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા (રહે.રાજકોટ), ગીરીશભાઈ સંતરામભાઈ અગ્રવાલ (રહે.અમદાવાદ), રામભાઈ રણમલભાઈ આહીર (રહે.અમદાવાદ), સાલ્મીનભાઈ સીરાઉદીન પઠાણ (રહે.રાજકોટ), અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (રહે.અમદાવાદ), પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (રહે.અમદાવાદ), રમેશભાઈ ધરમશીભાઈ ઠક્કર, જયરાજભાઈ ડોસણભાઈ બસીયા (રહે.રાજકોટ), રાઘવેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (રહે.સોડીયા, જિ.રાજકોટ), સહિતના નવ લોકો લાકડી, ધારીયા, પાઈપ, તલવાર અને તમંચા જેવા હથીયારો સાથે બુલેટ અને કારમાં ધસી આવ્યા અને તમંચામાંથી હવામાં ફાયરીંગ કરી ટેલીફોન, ટીવી અને બારી દરવાજામાં તોડફોડ કરી આ રાજવાડી અમારા બાપની છે જો કોઈ આનો કબજો લેવા આવશે તો અહીંથી જીવતા નહી જવા દઈએ તેવી ધમકી આપી હતી.
જેથી સ્થળ પર હાજર લોકો બીકના માર્યા ભાગીને છુપાઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે આવી આરોપીઓની અટકાયત કરી હતી. આ ઘટના અંગે રામજીભાઈ પ્રાગજીભાઈ મારકણાએ ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા આરોપીઓના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ગોંડલના સેશન્સ જજ એમ.એ. ભટ્ટીએ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપી વતી ગોંડલના વકીલ વિજયરાજસિંહ એસ.જાડેજા, એચ.કે. ચનિયારા અને કલ્પેશભાઈ એ. ચનિયારા રોકાયા હતા.