કારખાનેદાર સાથે 31.48 લાખની છેતરપીંડીં કરનાર નાઇઝીરિયન શખ્સ દિલ્હીથી ઝડપાયો
આકાશવાણી ચોકમાં શાંતિ હાઈટસમાં રહેતાં અને જેતપુરમાં સોનલ ડાય એન્ડ પ્રિન્ટીંગ વર્કસ નામે સાડીના છાપકામનું કારખાનું ધરાવતાં કારખાનેદાર ભારતમાંથી બિયારણની ખરીદી કરી તેને એક્ષપોર્ટ કરવાની લાલચ આપી અલગ-અલગ ખાતાઓમાં ઓનલાઈન રૂૂા.31.48 લાખ ટ્રાન્સફર કરાવી ઓનલાઇન છેતરપીંડીનાં કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હીથી નાઈઝીરીયાના નાગરિક ઓકાફોર નિક્કીની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આ મામલે રાહુલ મથુરાદાસ જોગી (ઉ.વ.41) એ ફરીયાદ નોંધાવી હતી જેમા જણાવ્યું હતું કે પાંચેક માસ પહેલાં તેને ફેસબુક મેસેન્જર આઈડીમાંથી ગઠીયાએ કોલ કરી કહ્યું કે તેની કંપનીને બિયારણની જરૂૂર છે. જે ભારતમાંથી લઈ એક્ષપોર્ટ કરવાનું છે. આ રીતે તેને એક્ષપોર્ટનો બીઝનેશ કરવાની લાલચ આપી, તેના સતત સંપર્કમાં રહ્યા બાદ બિયારણ ખરીદવાના બહાને તેને જુદા-જુદા ખાતાઓમાં રૂૂા.31.48 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આખરે તેને પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થતાં સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી.
જેના આધારે મ સાયબર ક્રાઈમ પોલીસે જે બેન્ક ખાતાઓમાં ફ્રોડની રકમ જમા થઈ હતી તેના ખાતા ધારકો, જે નંબર ઉપરથી વોટસએપ કોલ કરાયા હતા તે નંબર ધારકો વગેરેને આરોપી બનાવ્યા હતા. સાયબર ક્રાઈમના પીઆઈ એમ.એ. ઝણકાટે તપાસ આગળ ધપાવતાં દિલ્હી સુધી પગેરૂૂં નિકળ્યું હતું. જેથી સાયબર ક્રાઈમ પોલીસની ટીમે દિલ્હીમાં ત્રણ દિવસ સુધી ધામા નાખ્યા હતા.
તપાસ દરમિયાન નાઈઝીરીયાના નાગરિક ઓકાફોર નિકકીની સંડોવણી ખુલતાં તેને ઝડપી લઈ રાજકોટ લઈ આવી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે.તેની સાથે અન્ય કયા કયા આરોપીઓ સંડોવાયેલા છે. બીજી કઈ જગ્યાએ ફ્રોડ કર્યું છે તે સહિતના મુદ્દે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ જ ખોટા મેઈલ આઈડી બનાવી ફરિયાદીનો સંપર્ક કરી આ ફ્રોડ કર્યાનું બહાર આવ્યું છે.