‘તમારો દીકરો લગ્નમાં છોકરીના વીડિયો ઉતારે છે’ કહી આધેડ ઉપર પાડોશી શખ્સોનો હુમલો
શહેરના ચુનારાવાડમાં રહેતાં આધેડને પાડોશીએ ‘તમારો દીકરો લગ્નમાં છોકરીના વિડિયો ઉતારે છે’ તેમ કહી માતાજીના મઢે બોલાવી છરી વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આધેડે પુત્ર શેરીમાં લગ્ન પ્રસંગ હોય અને ડી.જે.વાળો તેનો મિત્ર હોવાથી ગીત વગાડવા માટે મોબાઈલ આપ્યો હતો. જો કે આરોપીઓને છોકરીના વિડિયો ઉતારતો હોવાની શંકા કરી તેમને માર માર્યાનું જણાવ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, ચુનારાવાડ શેરી નં.1માં રહેતાં સામતભાઈ સામજીભાઈ બાવળીયા (ઉ.45) નામના આધેડ ગત રાત્રે ચુનારાવાડ શેરી નં.2માં આવેલા માતાજીના મઢે હતાં ત્યારે ભોદો, અજય અને ભયલાએ છરી વડે હુમલો કરી માર મારતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામતભાઈના જણાવ્યા મુજબ તેનો પુત્ર સાહિલ ગઈકાલે રાત્રે ઘર પાસે શેરીમાં લગ્ન હતાં.
ત્યારે ડી.જે.વાળો સાહિલનો મિત્ર હોવાથી સાહિલે તેને પોતાનો મોબાઈલ ગીત વગાડવા માટે માંગતા આપ્યો હતો. જેથી આરોપીઓને સાહિલ છોકરીઓના વિડિયો ઉતારતો હોય તેવું લાગતાં આરોપીએ સામતભાઈને ફોન કરી તમારો દીકરો લગ્ન પ્રસંગમાં છોકરીઓના વિડિયો ઉતારે છે તેમ કહી ચુનારાવાડ-2માં આવેલા માતાજીના મઢે આવી હાથ મુકો તેમ કહી બોલાવ્યા હતાં. સામતભાઈ માતાજીના મઢે જતાં આરોપીઓએ છરી વડે હુમલો કરી માર માર્યાનું જણાવ્યું હતું. આ અંગે થોરાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.