જીયાણા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને પાડોશીની ધમકી
એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો
રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતા કિરણબેન કિર્તીભાઈ રાઠોડ (ઉ.વ. 29) દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશોક ગોહેલ (રહે. જીયાણા)નું નામ આપ્યું છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોટા નણંદ સવિતાએ ગત તા. 18/11/2025 ના જીયાણામાં તેમના મકાનની સામે રહેતા જયેશ ગોહેલ સાથે પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતે જયેશના પિતા અશોકભાઈ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી.
દરમિયાન ગઇ તા. 29/11 ના સવારના 10:30 વાગ્યા આસપાસ પરિણીતા ઘરના દરવાજા પાસે ઊભા હતા ત્યારે અશોકમાઇએ તેના ઘર પાસેથી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દ બોલી કહ્યું હતું કે, તમારી એક દીકરી તો અમે લઈ ગયા તમે અમારું શું બગાડી લીધું, તમારે મારા વિરુદ્ધ ફરિયાદ કરવી હોય ત્યાં કરી આવજો. જેથી પરિણીતાએ તેમને વધુ બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. બાદમાં આ બાબતે પરિણીતાના ઘરના સભ્યોને જાણ કરી હતી.
જે તે સમયે ફરિયાદીના કૌટુંબિક મોટા બાપુ તથા કૌટુંબિક ભાઈનો અવસાન થયું હોય તેમની અંતિમ ક્રિયા અને સામાજિક રીત રિવાજના કાર્યમાં રોકાયેલા હોવાથી ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં આ અંગે પરિણીતાએ પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક હેઠળ ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.