સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ યુવતી સાથે અડપલા અને તેની બહેન પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 12 વર્ષની સજા
બન્ને માનસિક બીમાર બહેનો સાથે ખરાબ કામ કરનાર શખ્સને સુરેન્દ્રનગર કોર્ટે સજા ફટકારી
સુરેન્દ્રનગર શહેરમાં રહેતા એક પરીવારની બન્ને દિકરીઓ મંદબુધ્ધીની છે. ત્યારે આ વિસ્તારમાં જ રહેતો એક શખ્સ બન્ને દિકરીઓ સાથે શારીરીક અડપલા કરતો હોવાની ફરીયાદ વર્ષ 2023માં એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં તપાસમાં એક દિકરી સાથે કુકર્મ આચરાયાનું ખુલ્યુ હતુ. આ અંગેનો કેસ સુરેન્દ્રનગર એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 12 વર્ષના કારાવાસની સજા ફટકારી છે.
સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતા એક પરીવારની 24 વર્ષની અને 21 વર્ષની એમ બે દિકરીઓ શારીરીક અને માનસીક રીતે દિવ્યાંગ છે. વર્ષ 2023માં આ જ વિસ્તારમાં રહેતો લાલજી ઉર્ફે કાળીયો જેસીંગભાઈ કુંતીયા બન્ને દિકરીઓ સાથે શારીરીક અડપલાં કરતો હતો.
બન્ને દિકરીઓની માતાએ દિકરીઓની પુછપરછ કરતા તેઓએ આપવીતી જણાવી હતી. આથી પરીવારજનો દ્વારા શહેરના એ ડીવીઝન પોલીસ મથકે તા. 23-6-23ના રોજ લાલજી ઉર્ફે કાળીયો જેસીંગભાઈ કુંતીયા સામે ફરીયાદ નોંધાવી હતી. બનાવની ફરિયાદ નોંધાતા જ તત્કાલિન એ ડીવીઝન પીઆઈ આર.એમ.સરોદે, નારણભા ગઢવી, વિજયસીંહ ખેર સહિતની ટીમે આરોપીને ઝડપી લીધો હતો.
શહેર પોલીસની પ્રાથમીક તપાસમાં જ બે મનોદિવ્યાંગ બહેનોમાંથી એક દિકરી સાથે આરોપીએ કુકર્મ કર્યુ હોવાનું તથા બીજીના અડપલાં કર્યા હોવાનું ખુલતા આ કેસની તપાસ મહિલા યુનીટમાં ટ્રાન્સફર થઈ હતી. ત્યારે આ અંગેનો કેસ સુરેન્દ્રનગર ચોથી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ જજ એન.જી.શાહે આરોપી લાલજી ઉર્ફે કાળીયો જેસીંગભાઈ કુંતીયાને 12 વર્ષની સજા ફટકારી છે.