સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા ઉપર ખોડલધામના સમર્થક પીઆઇ પાદરિયાનો ખૂની હુમલો
રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા ઉપર ખોડલધામના સમર્થક જુનાગઢ ચૌકી સોરઠ ટ્રેનીંગ સેન્ટરના પીઆઈ સંજય પાદરીયા તું સમાજનો ગદ્દાર છો તેવું કહી પિસ્તોલના કુંદા મારી હત્યાનો પ્રયાસ કરતા આ ઘટના બાદ પાઈ પાદરીયા સામે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધાયો છે. મવડી કણકોટ રોડ ઉપર એક લગ્ન પ્રસંગમાં ગયેલા સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા સાથે બનેલા આ બનાવ બાદ ઈજાગ્રસ્ત જયંતીભાઈ સરધારાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો હોસ્પીટલે દોડી ગયા હતા.
રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ કોઠારીયા રોડ ઉપર નવનીત હોલ સામે શ્રીરામ પાર્ક 1માં રહેતા જયંતીભાઈ કરસનભાઈ સરધારા (ઉ.વ 58)એ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ખોડલધામના સમર્થક જુનાગઢ ચૌકી સોરઠ ટ્રેનીંગ સેન્ટરના પીઆઈ સંજય પાદરીયાનું નામ આપ્યું છે. જયંતીભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે સમાજના અગ્રણી હોય તારીખ 25/11/20242024ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ જયંતીભાઈ પોતાની ઓડી કાર નંબર જીજે 03 એમબી 8118 વાળી લઈને મિત્ર રમેશભાઈ ગિરધરભાઈ કોટના પુત્રના લગ્નમાં મવડી કણકોટ રોડ આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમાં હાજર હોય અને ત્યાં અન્ય અગ્રણી મિત્રો સાથે જયંતીભાઈ વાતચીત કરતા હતા ત્યારે તેમની પાસે એક વ્યક્તિ આવ્યો અને અને મને કહેલ કે હું સંજયભાઈ પાદરીયા પીઆઈ છું અને જુનાગઢ એસઆરપી રિજીયન માં છું અને તું સમાજનો ગદ્દાર નસ્ત્ર આવું કહી જયંતીભાઈ મારવાની કોશિષ કરવા જતા અન્ય અગ્રણીઓ વચ્ચે પડ્યા અને બોલાચાલી ઝઘડો અટકાવેલ ત્યારે પી.આઈ સંજય પાદરીયા એ કહેલ કે હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું અને તું સરદાર ધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે જેથી હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી નસ્ત્ર બાદ પી.આઈ સંજય પાદરીયા ત્યાંથી જતો રહે અને જયંતીભાઈ પ્રસંગ પૂર્ણ કરી પાર્કિંગમાંથી તેમની કાર લઈ ઘરે જવા નીકળ્યા ત્યારે ફરીથી તેમની ઓડી કાર પી.આઈ સંજય પાદરીયા રોકવી જયંતીભાઈને કારની બહાર આવવા કહ્યું હતું.
જયંતીભાઈ સરધારા કારની બહાર નીકળ્યા ત્યારે પી.આઈ સંજય પાદરીયાએ પોતા પાસે રહેલ પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે સીધું જયંતીભાઈ સરધારાના માથાના ભાગે મારી દીધેલ જેથી જયંતીભાઈ સરધારા તુરંત નીચે પડી જતા પી.આઈ સંજય પાદરીયાએ જયંતીભાઈ સરધારા ઉપર હુમલો કરી ઢીકા પાટુનો મારમાર્યો હતો અને ગાળો આપી તને પતાવી જ દેવો છે તેમ કહી માર મારવા લાગેલ પ્રસંગમાં આવેલ અન્ય મહેમાનોએ આવીને જયંતીભાઈ સરધારાને છોડાવેલ તેમને માથાના ભાગે ઈજા થવાથી લોહી લુહાણ થઈ જતા જયંતીભાઈ સરધારા સેલ્ફ ડ્રાઈવીંગ કરી ગીરીરાજ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ થયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા પાટીદાર અચણીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પીટલે દોડી આવ્યા હતા.આ મામલે તાલુકા પોલીસ ગીરીરાજ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને જયંતીભાઈ સરધારાની ફરિયાદને આધારે પી.આઈ સંજય પાદરીયા સામે હત્યાની કોશિશની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
જયંતીભાઈ સરધારા જે સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ હોય જે અને પી.આઈ સંજય પાદરીયા નરેશ પટેલ અને ખોડલધામ ટ્રસ્ટના સમર્થક હોય હાલ સરધાર ધામ અને ખોડલધામ વચ્ચે ચાલતા વિવાદમાં બળતામાં ઘી રેડાયું છે. આ અંગે ઘવાયેલા જયંતીભાઈએ વિડીયોમાં ચોકાવનારા આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે, પી.આઈ. પાદરિયાએ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના કહેવાથી આ હુમલો કર્યો છે. ઘટનાને પગલે હોસ્પીટલે એકઠા થયેલા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વર્દીનો દુરુપયોગ કરે છે અને સમાજના આગેવાનના કહેવાથી જ તેણે આ હુમલો હોવાનો આક્ષેપ કયો હતો. લેઉવા પટેલ સમાજની બે મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોની આ બબાલથી લેઉવા પટેલ સમાજમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે અને સમાજની બે સંસ્થાઓ વચ્ચે વિવાદ સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે જો કે, સમાજના મોટાભાગના આગેવાનો અને બન્ને સંસ્થાઓએ આ મામલાને વ્યક્તિગત ગણાવ્યો છે અને સંસ્થાઓને ખોટી રીતે બદનામ નહીં કરવા સૌને અપીલ કરી છે.
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પણ કંઈ સ્પષ્ટ દેખાતું નથી
ગત રાત્રે સરદારધામ ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા અને પી.આઈ. પાદરિયા વચ્ચે થયેલી બબાલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પી.આઈ. પાદરિયા ચાલીને જતા નજરે પડે છે. ત્યાં સામેથી જયંતિ સરધારાની કાર આવે છે અને પીઆઈ પાદરિયા હાથ આડો કરી કરા રોકાવે છે, ત્યાર બાદ બન્ને વચ્ચે ઝપાઝપી થાય છે અને લગભગ ત્રણેક મિનિટ આ બબાલ ચાલે છે. અન્ય લોકો વચ્ચે પડી છૂટાપાડે છે. અને સરધારા ત્યાંથી કાર લઈને નિકળી જાય છે જો કે, પીઆઈ પાદરિયાના હાથમાં કે કમરે ગન હોય તેવું સીસીટીવીમાં દેખાતુ નથી.
બન્ને વચ્ચે જમણવાર દરમિયાન પણ બોલાચાલી થઈ હતી
સરદારધામના ટ્રસ્ટી જયંતિભાઈ સરધારા અને ખોડલધામના સમર્થક પી.આઈ. પાદરિયા વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં લેઉવા પટેલ સમાજની બે મોટી સંસ્થાઓના નામ ખરડાયા છે. ત્યારે લગ્ન પ્રસંગના જમણવારમાં હાજર લોકોએ જણાવ્યું હતું કે, ભોજન સમયે જ સરધારા અને પાદરિયા વચ્ચે ઉગ્ર જીભાજોડી સાથે સામસામી આક્ષેપબાજી અને સામાન્ય ઝપાઝપી થઈ હતી. ત્યારે પણ ત્યાં ઉપસ્થિત લોકોએ બન્નેને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. જ્યારે જમણવાર પત્યા બાદ પાર્ટી પ્લોટની બહાર બન્ને વચ્ચે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી શકે નહીં: ખોડલધામ
જયંતિભાઈ સરધારા અને પી.આઈ. પાદરિયા વચ્ચે થયેલ મારામારી અંગે ખોડલધામ ટ્રસ્ટના પ્રવકતા હસમુખભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, જે ઘટના બની તે ખુબ જ નિંદનીય અને કમનસીબ છે. ચેરમેન નરેશભાઈ પટેલ હાલ વિદેશ પ્રવાસે છે તેમને પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે. આ હુમલા માટે નરેશભાઈ જવાબદાર હોવાના આક્ષેપ અંગે હસમુખભાઈએ જણાવ્યું હતું કે, જે આક્ષેપ કરવામાં આવ્યા છે. જયંતિભાઈ બોલ્યા છે તે તેમનો અંગત મામલો છે. નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ શકે નહીં. પીઆઈ પાદરિયા અને જયંતિભાઈ બન્ને ખોડલધામ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત જયંતિભાઈ સરદારધામ સાથે પણ જોડાયેલા છે. બંને વચ્ચે કાલે રાત્રે મળવાનું થયું હતું બન્ને વચ્ચે જે કંઈ ચર્ચાઓ થઈ તેના અંતે આ ઘટના બની તે તેમનો અંગત મામલો છે. આ મુદ્દે સરદારધામ કે ખોડલધામને વચ્ચે લાવી બદનામ કરવાનો ઈરાદો હોય તો તે યોગ્ય નથી. નરેશભાઈ પટેલ પણ ફોરેનથી જણાવ્યું છે કે, તે ભારત પરત ફરે એટલે સમાજના અગ્રણીઓ સાથે બેસીને આ ઘટના અંગે વાતચીત કરશે અને ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને તે માટે પ્રયત્નો કરશે.
અંગત મામલાઓમાં સંસ્થાઓને વચ્ચે લેવી જોઈએ નહીં: સરદારધામ
રાજકોટમાં સરદાર ધામ ટ્રસ્ટના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા અને પી.આઈ. પાદરિયા વચ્ચે બનેલી ઘટના અંગે સરદારધામ ટ્રસ્ટના પ્રવકતા શૈલેષભાઈ સગપરિયાએ જણાવ્યું હતું કે, જે ઘટના બની છે તે કમનશીબ છે આવુ થવું જોઈએ નહીં સરદારધામ ટ્રસ્ટ એ સરદાર પટેલના ધ્યેયને ધ્યાને રાખી સમાજના વિકાસ અને એકતાના કામો કરે છે. આ સંસ્થા સાથે કોઈ એક-બે વ્યક્તિ નહી પણ ખુબ મોટો સમુહ જોડાયેલો છે. ખોડલધામના ઘણા ટ્રસ્ટીઓ પણ સરદારધામના ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે, ત્યારે કોઈએ પણ અંગત ઝઘડામાં સંસ્થાઓને વચ્ચે લેવી જોઈએ નહીં અને સૌએ સંસ્થાના હિતમાં મોટુ મન રાખીને કામ કરવું જોઈએ તેવી શૈલેષભાઈ સગપરિયાએ અપીલ કરી હતી.