વાંકાનેરમાં રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ બાબતે ખેડૂતો પર ખૂની હુમલો
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ (માલ ચરાવવા) બાબતે થયેલા વિવાદને પગલે ખેડૂતો અને માલધારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકતા માલધારીઓના ટોળાએ ખેડૂતો પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં માલધારીઓ દ્વારા ખેડૂતો પર લાકડા, ધારીયા, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરતા પાંચથી વધુ ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે.આ ઘટનાથી વાંકાનેર પંથકના ખેડૂત સમાજમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ખેતરમાં ભેલાણ જેવી બાબતે વારંવાર ખેડૂતો પર હુમલાઓ કરે છે.
તાત્કાલિક પગલાંની માંગ સાથે ખેડૂતોને પોતાના ખેતરોમાં થતા નુકસાન અને તેના વિરોધમાં થતા હિંસક હુમલાઓથી રાહત મળે તે માટે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. જો પોલીસ તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હોવાના અહેવાલ છે.
મળતી વિગતો મુજબ, માલધારીઓના ટોળાએ ઉશ્કેરાઈને ખેડૂતો પર લાકડા, ધારીયા, પાઇપ સહિતના જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચથી વધુ ખેડૂતોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોની વિગતો: મોહસીન મેહબૂબભાઈ માથકીયા (ઉ.વ. 21), નજીઉલ્લાહ યાકુબભાઈ બાદી (ઉ.વ.17), કડીવાર આહમદભાઈ હબીબભાઈ (ઉ.વ.45), જુબેર આહમદભાઈ કડીવાર, માથકીયા અલ્તાફ હુશેનભાઈ, માથકીયા નવાઝ અસરફભાઈ. આ બનાવ બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન, મોહસીન માથકીયા અને નજીઉલ્લાહ બાદી સહિત બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.આ બનાવમાં ફરિયાદી અલ્તાફભાઈ હુસેનભાઇ માથકીયા (ઉ.વ. 42)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી 1). છગનભાઇ હીરાભાઇ ગીંગોરા, 2). છગનનો દીકરો, 3). ગોપાલભાઇ સીધાભાઇ ગીંગોરા, 4). છેલાભાઇ સીધાભાઇ ગીંગોરા, 5). મંગાભાઇ હીરાભાઇ ગીંગોરા, 6). વિષ્ણુભાઇ મોનાભાઇ મુંધવા, 7). વીરમ જેમાભાઇ મુંધવા, 8). ભુપતભાઇ ગેલાભાઇ મુંધવા, 9). નારૂૂભાઇ સામતભાઇ મુંધવા, 10). સંજયભાઇ ભગાભાઇ મુંધવા, 11). મયાભાઇ રૈયાભાઇ ડાભી, 12). ભાવેશભાઇ ગેલાભાઇ મુંધવા, 13). રવીભાઇ ગેલાભાઇ મુંધવા, 14). પ્રવીણભાઇ છેલાભાઇ મુંધવા, 15). વિહાભાઇ પુનાભાઇ મુંધવા, 16). નવધણભાઇ પુનાભાઇ મુંધવા અને 17). મોનાભાઇ ભુવાનો ભાણેજ (રહે.બધા રાણેકપર તા.વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
