રાજકોટમાં આસારામ કેસના સાક્ષીનો હત્યારો પકડાયો
23-5-2014ના રોજ ૐશાંતિ હોસ્પિટલમાં અમૃત પ્રજાપતિની હત્યા કેસમાં 10 વર્ષથી વોન્ટેડ શખ્સને પકડવા ક્રાઈમ બ્રાંચનું કર્ણાટકમાં ગુપ્ત ઓપરેશન
યૌન શોષણના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અમૃત પ્રજાપતિ વૈદ્યની રાજકોટમાં ગત તા 23/5/2014ના રોજ ફાયિંરગ કરીને થયેલી હત્યાના બનાવમાં છેલ્લા 10 વર્ષ થી વોન્ટેડ આરોપીને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી જીવના જોખમે કર્નાટકથી ઝડપી લીધો છે.રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમ આશારામ આશ્રમના સાધક હત્યારાને લઇ રાજકોટ આવવા રવાના થઈ છે. જેની પુછપરછમાં આસારામ કેસ મામલે મોટા ખુલાસા થઇ શકે છે.
આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અમૃત પ્રજાપતિ ગત તા 23/05/2014ના રોજ સંત કબીર રોડ પર આવેલી ઓમ શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે આવ્યા હોય બપોરે 1 વાગે રાજુ નામનો વ્યક્તિ રાજકોટમાં પેડક રોડ ઉપર ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવ્યો હતો અને આ શખ્સે અમૃત પ્રજાપતિ ઉપર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયિંરગ કર્યું હતું. ફાયિંરગમાં અમૃત પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. ભાગવાના પ્રયાસમાં હત્યારાની બે પિસ્તોલ અને એક મેગેઝિન અને 10 કાર્ટીસ સ્થળ પડી જતા તે સ્થળ ઉપરથી મળી આવ્યા હતા. અમૃત પ્રજાપતિને રાજકોટ અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો .જીવલેણ હુમલામાં ઘવાયેલા પ્રજાપતિએ ડી.ડી.માં છ શખ્સના નામ આપ્યા હતા.
જેમાં મેઘજીભાઇ પટેલ(કાંકરેજ,હાલ મા નગર,બરોડા આશ્રમ), કે.ડી.ઉર્ફે કાંતિલાલ ડી.પટેલ( ઇડર,સાબરકાંઠા,હાલ-એ-16,મહેનજીબાનગર ,મોટેરા),આસારામની જમીનનું કામકાજ સંભાળતા વિકાસ કૈલાસચંદ ખેમકા(રહે,સુરત)રામચંદ્ર ચંદીરામ ઠક્કર(ડીસા,હાલ મોટેરા, આશ્રમના ખરીદ વેચાણના ઇન્ચાર્જ), અજય રસિકલાલ શાહ(મનોરમાગંજ ઇન્દોર,હાલ મોટેરા આશ્રમ)અને કૌશિક પોપટ (નંદુબાર,મહારાષ્ટ્ર,હાલ હિસાબનીશ,મોટેરા આશ્રમ)નું નામ બહાર આવ્યા બાદ આ તમામની પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ પ્રકરણમાં કાર્તિક નામના એક શખ્સની ધરપકડ થતાં તેની પુછપરછમાં કેશવ સહિતના અન્ય પાંચના નામ ખુલ્યા હતાં. આ મામલે રાજકોટ અને સુરત પોલીસ સંયુકત તપાસ કરી હતી તેમજ કેસની તલસ્પર્શી તપાસ માટે એસીપીના વડપણ હેઠળ સીટની રચના પણ કરવામાં આવી હતી. બાદમાં આ કેસ સીઆઇડી ક્રાઈમને સોપવામાં આવ્યો હતો.
યૌન શોષણના કેસમાં અમૃત પ્રજાપતિએ આસારામની વિરુધ્ધમાં પડયા હતા. આસારામ સામે બળાત્કાર અને યૌશ શોષણ કેસ નોંધાયા પહેલાથી જ અમૃત પ્રજાપતિએ આસારામ સામે બંડ પોકાર્યું હતું. એક સમયે પ્રજાપતિ આસારામ આશ્રમમાં વૈધ હતા. જો કે ગેરરીતિઓની ફરિયાદો મળતાં તેમણે છેડો ફાડી નાખ્યો હતો. અને બાદમાં આસારામ આશ્રમમાં ચાલતી ગેરરીતિઓ મામલે જાહેરમાં બંડ પોકાર્યું હતું. આસારામ સામે વિરોધ કરનારાઓ તેમજ કેસના સાક્ષીઓ પર હુમલો, ઘમકી અને મારામારીની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. રાજકોટમાં 10 વર્ષ પૂર્વે અમુત પ્રજાપતિ હત્યા કેસમાં સંડોવાયેલ અને વોન્ટેડ આસારામના સાધક કેશવ કર્નાટકમાં હોવાની ચોક્કસ બાતમી રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમને મળી હતી જેના આઘારે તેને પકડવા માટે ગુપ્ત ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. રાજકોટ ક્રાઈમની ટીમે જીવન જોખમે કેશવને ઝડપી લીધો હતો અને તેને લઇ રાજકોટ આવવા ટીમ રવાના થઇ છે.
આસારામને જામીન મળતા જ સાક્ષીનો હત્યારો ઝડપાયો તે સૂચક
રાજકોટ ક્રાઈમ બ્રાંચે કર્ણાટકથી સાર્પસુટર કેશવની ધરપકડ કરી છે ત્યારે તેની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે અને એ કોઈપણ અનુયાયીને મળી શકશે નહીં તે હુકમ પણ કોર્ટે કર્યો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન ળ્યા છે. ત્યારે આસારામના યૌન સોશણ કેસના સાક્ષીની હત્યામાં સંડોવાયેલ શખ્સ પકડાયો હોય તે સુચક બાબત છે. કદાચ આસારામના દુષ્કર્મ કેસના સાક્ષીઓની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય અને તેમાં હાલ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયેલા આસારામની સંડોવણી છે કે કેમ તે સહિતનીબાબતો ઉપર રાજકોટ ક્રાઈમ બ્રાંચ તપાસ કરસે તો અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.