માતૃકૃપા ટ્રાવેલ્સ સંચાલક સહિતના સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત
રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ધંધાકીય હરીફાઈમાં છેલ્લા ગણા દીવસથી ચાલતી માથાકૂટમાં લોહી રેડતા અટક્યું હતું. ટ્રાવેલના હરીફ પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકને મોતને ઘાટ ઉતારવા માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકે 50 લાખની સોપારી આપી ભાડુતી હત્યારાને મોકલ્યો હતો. જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક અને કોંગ્રેસ અગ્રણી વિજયસિંહ જાડેજાએ તેમની હત્યા માટેની સોપારી આપનાર માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક મેહુલસિંહ જાડેજા અને રાહુલસિંહ જાડેજા સહિતના તેના ટોળકીના સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
ગોંડલ રોડ પરના શિવનગરમાં રહેતા અને પિતૃકૃપા નામે ટ્રાવેલ્સની ઓફિસ ચલાવતાં વિજયસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.45)એ પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક મેહુલસિંહ જાડેજા અને તેના ભાઈ રાહુલસિંહ જાડેજા અનેતેની સાથેના તેના ટોળકીના સભ્યો વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા હોય અગાઉ મમતા ટ્રાવેલ્સનું બુકીંગ કરતા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ વચ્છરાજ ટ્રાવેલ્સની બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત માતૃકૃપા ટ્રાવેલ્સના રઘુવીરસિંહ તેમજ બંટી વિરુદ્ધ પણ અગાઉ મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલ હોય ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ તમામ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા વિજયસિંહ જાડેજાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમજ આ બાબતે ગૃહમંત્રી તથા રાજ્યપોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે.