માતૃત્વ લાજયું; માતાએ બાળકીને જન્મ આપી કોથળીમાં વીંટી ફેંકી દીધી !
ઉનાનો હૃદયદ્રાવક કિસ્સો, પતિ સાથે ઝઘડો થતા ઘેરથી નીકળી ગયેલી પરિણિતાને બસ સ્ટેશનમાં પ્રસવ પીડા ઉપડી, પુત્રીની મદદથી જાતે પ્રસુતિ કરી બાળકીને ફેંકી દેતા રખડતા શ્ર્વાન ખાઇ ગયા
ગીર સોમનાથના ઉના શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક માતા અને તેની સગી પુત્રીએ મળીને પોતાના જ નવજાત શિશુને જન્મ આપ્યા બાદ તેને નિષ્ઠુરતાપૂર્વક તરછોડી દીધું છે. આ અમાનવીય કૃત્ય બાદ નવજાતનો કોઈ પત્તો નથી, અને સ્થાનિક અધિકારીઓ દ્વારા રખડતા શ્વાન કે ભૂંડ તેને ફાડી ગયા હોવાની કરુણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ માનવતાના મૂલ્યો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સમાજમાં વધતી સંવેદનહીનતા દર્શાવતી આ ઘટનાની મળતી માહિતી મુજબ, રાજુલાના શાંતિબેન દિનેશભાઈ સોલંકી (ઉંમર અંદાજે 36 વર્ષ) ગત તા.14 જુલાઈના દિવસે તેમના પતિ સાથેના ઝઘડા બાદ કોડીનાર તાલુકાના પ્રાચી ગામે તેમના ભાઈના ઘરે ગયા હતા. બીજા દિવસે, એટલે કે ગત.15 જુલાઈના રોજ, તેઓ પોતાની ત્રણ પુત્રીઓ સાથે કોડીનાર ગયા હતા. ત્યાંથી તેઓએ એક મેડિકલ સ્ટોરમાંથી કેટલીક દવાઓ ખરીદી હતી. ત્યારબાદ તેઓ બસ દ્વારા ઉના આવ્યા અને બસ સ્ટેન્ડ પાસે રોકાયા હતા.મધરાત્તે શાંતિબેનને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી. આથી, તેઓ બસ સ્ટેન્ડ સામેની એક ગલીમાં ગયા, જ્યાં તેમને અધૂરા માસે જ પ્રસૂતિ થઈ હતી. આ ઘટનામાં જે આઘાતજનક બાબત સામે આવી છે તે એ કે, પ્રસૂતિ બાદ શાંતિબેને પોતાની સગી પુત્રીની મદદથી આ નવજાત શિશુને એક પ્લાસ્ટિક બેગમાં મૂક્યું, તેને કપડામાં વીંટાળ્યું અને ઉનાની એક ખાનગી હોસ્પિટલ નજીક, જાહેર સ્થળે ફેંકી દીધું.
આ કૃત્યની જાણ થતા જ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.નવજાતને તરછોડ્યા બાદ શાંતિબેનને અતિશય રક્તસ્ત્રાવ થવા લાગ્યો. આથી, તેઓ તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર દરમિયાન સ્ટાફને તેમની સ્થિતિ અને વર્તન પર શંકા ગઈ. ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં, શાંતિબેને આખી ઘટનાની કબૂલાત કરી હતી. હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક ઉના પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ ઘટનાની ગંભીરતા પારખીને તરત જ કાર્યવાહી હાથ ધરી.નવજાત શિશુને શોધવા માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સઘન શોધખોળ શરૂૂ કરી. જોકે, ઘટનાસ્થળેથી માત્ર કપડાં અને સેનેટરી પેડ જ મળી આવ્યા, જ્યારે નવજાત શિશુનો કોઈ પત્તો લાગ્યો નહીં. આ ઘટનાએ પોલીસ અને આરોગ્ય તંત્ર બંનેને ચોંકાવી દીધા છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, નવજાત શિશુને રાત્રિના 3:30 વાગ્યે તરછોડવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં રાત્રિના સમયે રખડતા શ્વાન અને ભૂંડની ભારે અવરજવર રહેતી હોય છે.
આથી ગંભીર આશંકા વ્યક્ત થાય છે કે રાત્રિના અંધારામાં રખડતા શ્વાન કે ભૂંડ આ નિર્દોષ નવજાત શિશુને ફાડી ગયા હોઈ શકે છે. આ અનુમાન ખરેખર હૃદય કંપાવી દેનારું છે.તબીબોના મતે, શાંતિબેનને છ માસનો ગર્ભ હતો. તબીબી વિજ્ઞાન અનુસાર, છ માસના ગર્ભથી જન્મેલું બાળક જીવિત પણ હોઈ શકે છે. હાલ, ઉના પોલીસ અને આરોગ્ય વિભાગ આ મામલે સઘન તપાસ કરી રહ્યા છે. પોલીસે શાંતિબેન અને તેમની પુત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાએ સમાજમાં માતૃત્વ, નૈતિકતા અને માનવીય સંવેદનાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું આવી ઘટનાઓ સમાજમાં વધતી જતી સંવેદનહીનતા અને નૈતિક મૂલ્યોના પતનને દર્શાવે છે? આ અંગે સમાજમાં વ્યાપક ચિંતનની જરૂૂર છે.
નવજાત બાળક ત્યજી દેવાના મામલે રહસ્ય ઘેરું બન્યું: છઠ્ઠી ડિલિવરીનો કિસ્સો અને તબીબી થિયરી!
નવજાત બાળકને ત્યજી દેવાની ઘટનામાં રહસ્ય વધુ ઘેરું બન્યું છે. પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પંથકમાં આ ઘટના અંગે અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. ખાસ કરીને, શંકાના દાયરામાં રહેલી બાળકની માતાની આ છઠ્ઠી ડિલિવરી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળકીને જન્મ આપનારી મહિલાને આ પહેલા ત્રણ દીકરીઓ અને બે પુત્રો હતા. જોકે, તેમના પાંચ સંતાનોમાંથી બે પુત્રોનું કોઈ અગમ્ય કારણોસર અવસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સંજોગોમાં, છઠ્ઠી વખત ગર્ભવતી બનેલી મહિલાએ ગર્ભ પરીક્ષણ કરાવ્યું હોવાની અને તેમાં પોતાની ઈચ્છા મુજબનું સંતાન ન હોવાને કારણે અધૂરા સમયે જન્મેલા બાળકને ત્યજી દેવાનું ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હોવાની ચર્ચાઓ પંથકમાં જોરશોરથી ચાલી રહી છે. આશ્ચર્યજનક રીતે, તબીબી જગતના લોકો પણ આ થિયરીને સંપૂર્ણપણે નકારી રહ્યા નથી. પરંતુ નક્કર પુરાવા વિના કોઈ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ છે. હાલ, પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાની પૂછપરછ અને અન્ય સંભવિત પાસાઓની તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે. આ ઘટનાએ સમાજમાં બાળકના જન્મ અને સ્ત્રી-પુરુષ ભેદભાવ અંગે ફરી એકવાર ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. પોલીસ તપાસમાં કઈ હકીકતો બહાર આવે છે તે જોવું રહ્યું.