ટાગોર રોડ ઉપર વૃધ્ધાના ઘરમાં ઘુસી રૂા.2.42 લાખની માળા લૂંટી લેનાર સાસુ-વહુ પકડાયા
શહેરના ટાગોર રોડ પર આવેલ રેવન્યુ સોસાયટીમાં રહેતા એક વૃધ્ધાના ઘરમાં ઘુસેલી બે મહિલાઓએ વાળ ખરીદવાના બહાને વૃધ્ધાને લલચાવી તેમના ગળામાંથી રૂા.2.42 લાખની સોનાની માળાની લુંટ ચલાવી હતી. આ બનાવનો ભેદ એ-ડીવીજન પોલીસે ઉકેલી નાખી સાસુ-વહુને ચોરાઉ સોનાની માળા સાથે ઝડપી લઈ વિશેષ પુછપરછ શરૂ કરી છે.
રેવન્યુ સોસાયટીમાં રહેતા ભાનુબેન ત્રિભોવનદાસ હરિયાણી (ઉ.85) નામના મહિલા શનિવારે પોતાના ઘરે હતા ત્યારે વાળ ખરીદવાના બહાને બે મહિલા તેમના ઘર પાસે આવી હતી. એક હજાર રૂપિયાના કિલો વાળ ખરીદવાના નામે ભાનુબેન હરિયાણી સાથે વાતચીત કરવા લાગી હતી. ભાનુબેને પોતાના પાસે વાળ નહીં હોવાનું કહેતા આ બન્ને મહિલાઓએ પીવા માટે પાણી માગ્યું હતું. જેથી ભાનુબેન બન્ને મહિલાઓ માટે પાણી લેવા ઘરમાં ગયા ત્યારે જ પાછળથી આ બન્ને મહિલાઓ ઘરમાં ઘુસી હતી. જેમાંથી એક મહિલાએ ભાનુબેનને પકડી રાખ્યા અને બીજી મહિલાએ તેમના ગળામાં ઝુંટ મારી રૂા.2.42 લાખની કિંમતની સોનાની માળા લુંટી ભાગી ગઈ હતી.
ભાનુબેને દેકારો કરતાં પાડોશમાં રહેતા પાડોશીઓ દોડી આવ્યા હતાં અને આ બન્ને મહિલાઓમાંથી એક મહિલા ભાગી ગઈ હતી. જ્યારે પકડાયેલી મહિલા મનહરપુર ગામની સરોજ ઉર્ફે સવિતા રમેશ સોલંકી હોવાનું ખુલ્યું હતું. જેને પોલીસ હવાલે કરવામાં આવી હતી. એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા પીએસઆઈ એમ.વી.લુવા અને તેમની ટીમે પુછપરછ કરતાં લુંટમાં સંડોવાયેલી અને ભાગી છુટેલી મહિલા તેની પુત્ર વધુ સોનલ વિજય સોલંકી હોવાનું જણાવ્યું હતું અને તે સોનાની માળા લઈ ગઈ હોય એ-ડીવીઝન પોલીસે સોનલને પણ શોધી કાઢી હતી અને લુંટાયેલી માળા કબજે કરી વિશેષ પુછપરછ કરી હતી.