સામાકાંઠે આવાસ યોજનામાં જૂના ઝઘડાનો ખાર રાખી સફાઇ કામદાર પર માતા-પુત્રનો હુમલો
શહેરના પેડક રોડ પર વાલ્મીકી આવાસ યોજનામા જુના ઝઘડાનો ખાર રાખી સફાઇ કામદાર યુવાન પર પાડોશમા રહેતા માતા-પુત્રએ માર મારી વાહન રીપેરીંગ કરવાનુ પાનુ માથામા ફટકારતા યુવાનને લોહી લુહાણ હાલતમા હોસ્પીટલે ખસેડવામા આવ્યો છે. આ મામલે બી ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી હતી.
વધુ વિગતો મુજબ વાલ્મીકી આવાસ યોજનાના કવાર્ટરમા રહેતા વિજયભાઇ ભગવાનજીભાઇ મકવાણા (ઉ.વ. 38) એ તેમના પાડોશી ઉષાબેન હેમંતભાઇ ગડીયલ અને તેમના પુત્ર વિજય (ઉ.વ. 38) વિરુધ્ધ માર માર્યાની અને ગાળો આપવાની ફરીયાદ નોંધાવી છે જેમા વિજયભાઇએ જણાવ્યુ હતુ કે પોતે ગોકુળ હોસ્પીટલમા સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. છ મહીના પહેલા કોઇ ઝઘડો થયો હતો જેમા સમાધાન થઇ ગયુ હતુ જે બાબતે ખાર રાખી ઉષાબેન અને તેનો દિકરો વિજય ગડીયલ બંને વિજય મકવાણા સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.
ત્યારબાદ તા 17 ના રોજ બપોરના સમયે ઘરમા સુતો હતો ત્યારે નાનો દિકરો દરવાજો ખોલી ઘર પાસે રમતો હતો તે દરમ્યાન વિજય ગડીયલ તથા તેમના માતા ઉષાબેને મકાનેથી નીચે ઉતરતા હોય ત્યારે તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. અને તેમને ગાળો બોલવાની ના પાડતા માતા અને પુત્ર ઝપાઝપી કરી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ઉષાબેનના કહેવાથી તેમના પુત્ર વિજયએ ખીસામાથી પાનુ કાઢી વિજયભાઇ મકવાણાને માથામા ઝીકી દેતા લોહી નીકળવા લાગતા તેમને ઇજાગ્રસ્ત હાલતમા સિવિલ હોસ્પીટલે ખસેડયા હતા આ અંગે બી ડીવીઝન પોલીસના પીએસઆઇ વી. એચ. પરમાર તપાસ ચલાવી રહયા છે.