મોરબીના વ્યાજખોરો બન્યા બેફામ : પૈસાની ઉઘરાણી કરી યુવાનનું અપહરણ કરી માર માર્યો
મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા અને મુનનગરમા કારખાનું ધરાવતા યુવાને ધંધા માટે મહિને 21 ટકા વ્યાજે લીધેલા ત્રણ લાખના બદલામાં વ્યાજ સહિત સાડા ત્રણ લાખ ચૂકવી દેવા છતાં પણ વ્યાજખોરે સાત લાખની માંગણી કરી અન્ય ચાર શખ્સ સાથે મળી યુવાનનું કારમાં અપહરણ કર્યું હતું. જો કે અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવાનને ઢોર માર મારવાની સાથે છરી વડે ઇજા પહોંચાડી અપહરણ કરનારા જુના બસસ્ટેન્ડ નજીક ચા પાણી પીવા ઉભા રહેતા જ યુવાન અપહરણકારોની ચુંગાલમાંથી ભાગી છૂટી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર સ્વર્ણભૂમિમાં રહેતા અને મુનનગર ચોકમાં કારખાનું ધરાવતા ફરિયાદી વિશાલ હસમુખભાઈ ગાંભવાએ આરોપી અશિષ આદ્રોજા, આશિષ સંઘાણી રહે.બન્ને રવાપર રોડ, આરોપી જીગ્નેશ કૈલા રહે.પંચાસર રોડ અને ચિરાગ પટેલ તેમજ એક અન્ય અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, છ માસ પૂર્વે રવાપર રોડ ઉપર રહેતા આરોપી આશિષ સંઘાણી પાસેથી ત્રણ લાખ મહિને 21 ટકા વ્યાજે લીધા હતા. બાદમાં વ્યાજ સહિત 3.5 લાખ ચૂકવી દેવા છતાં તા.10ની સાંજે આરોપીએ ફોન કરી પંચાસર રોડ ઊપર મળવા બોલાવ્યો હતો.
વધુમા ફરિયાદી વિશાલભાઈ આરોપીને મળવા પંચાસર રોડ ઉપર જતા જ જીજે - 36 - એએલ - 1237 નંબરની ટાટા નેકસોન કારમા આરોપીઓ હાજર હતા અને વિશાલભાઈને કાંઠલો પકડી પંચાસર ગામથી આગળ થોરાળા લઈ ગયા હતા જ્યાં નિર્જન સ્થળે માર મારી કહ્યું હતું કે, તારા બાપ અને ભાઈને ફોન કરી અત્યારે જ સાત લાખ મંગાવ નહિ તો પૂરો કરી નાંખશું. બાદમાં આરોપીઓ ગાડી લઈ રવાપર રોડ ઉપર ગયા હતા જ્યાંથી કોઈ મહિલા પાસે હથિયાર મંગાવી બાદમાં રસ્તામાં ચાલુ ગાડીએ આરોપીઓએ માર મારવાનું ચાલુ રાખી હાથ ઉપર છરી મારી દીધી હતી.
દરમિયાન રાત્રીના આશરે બારેક વાગ્યાના અરસામાં આરોપીઓ મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે ચા - પાણી પીવા ઉભા રહેતા જ મોકો મળતા ફરિયાદી વિશાલભાઈ અપહરણ કરનારાઓની ચુંગાલમાંથી જીવ બચાવી ભાગી નીકળી મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ થયા હતા. જ્યાં હોસ્પિટલના બિછાનેથી પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા પોલીસે એક અજાણ્યા સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ અપહરણ સહિતની ભારેખમ્મ કલમો મુજબ ગુન્હો નોંધી વ્યાજખોરીની સાથે બિહારવાળી કરી કાયદો હાથમાં લેનાર તત્વોને ઝડપી લેવા તજવીજ શરૂૂ કરી છે.