મોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે વધુ ક્લાસ વન અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. મોરબીમાં એસીબીની સફળ ટ્રેપ થઈ છે. જેમાં પીજીવીસીએલના નાયબ ઈજનેર રૂૂ.20 હજારની લાંચ લેતા ઝડપાયા છે. વર્ગ 1ના અધિકારી પોતાની જ કચેરી બહાર લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.મળતી માહિતી મુજબ, આ કામના ફરીયાદીની કંપનીએ સોલાર પેનલ લગાવવા અંગેનું કામકાજ કરતા હોય અને ફરીયાદીએ બે કંપનીના સોલાર પ્લાન્ટનું કામકાજ કરેલ હોય જે બન્ને સોલાર પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા તથા આક્ષેપીત દ્વારા લગાવેલ સોલાર પ્લાન્ટમાં કોઇપણ પ્રકારની હેરાનગતિ ન કરવા બાબતે નાયબ ઈજનેર દ્વારા રૂૂ.20 હજારની લાંચ માંગવામાં આવી હતી.
જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ રાજકોટ ગ્રામ્ય એ. સી. બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી મિનેષભાઇ અરજણભાઇ જાદવ, નાયબ ઇજનેર, વર્ગ-1, પીજીવીસીએલ વિભાગીય કચેરી-1, મોરબી તેમની કચેરી બહાર ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આ ગેરકાયદેસર લાંચની રકમ આરોપી પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણા (પ્રજાજન) ને આપવાનું કહેતા તેણે ફરીયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ 20,000સ્વીકારી હતી. દરમિયાન કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ. સી.બી. રાજકોટ એકમના માર્ગદર્શન હેઠળ જે.એમ. આલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી. બી. પો.સ્ ટે., રાજકોટ ગ્રામ્ય તથા સ્ટાફ દ્વારા રેઇડ કરતા સ્થળ ઉપરથી બન્ને આરોપીઓ પકડાઇ ગયા હતા.