મોરબીના વેપારીનું ચોટીલાથી અપહરણ, જસદણમાં ભાગી છૂટ્યો
રૂા.50 લાખની ખંડણી માંગી ચોટીલામાં ગોંધી રાખ્યો, જસદણ આંગડિયુ આવ્યાનું જણાવી કાર ધીમી પાડતા ઠેકડો મારી નાઠો
જસદણ અને ચોટીલા પોલીસ બધુ જાણે છે પણ વેપારી ફરિયાદ માટે તૈયાર નહીં થતા હાથ ખંખેર્યા
મોરબીના વેપારીનું ચોટીલાથી અપહરણ કરી 50 લાખની ખંડણી પડાવવા જસદણ આંગડીયા પેઢીમાં રૂૂપિયા લેવા આવેલા અપહરણકારોની ચુંગાલમાંથી વેપારી ભાગી છુટયો હતો ત્યારે પાછળ ત્રણ અપહરણકારો પણ ભાગ્યા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોય જસદણની બજારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
મોરબીના વેપારી કેવલ પટેલ નામનો યુવકનું ચોટીલા બાજુના ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી 50 લાખની ખંડણી માંગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહી નોંધાતા પોલીસે પણ કોઈ કાર્યવાહી કરી નથી અપહરણકારોએ કેવલ પટેલ નામના યુવકનું અપહરણ કરી તેને ચોટીલા ખાતે ગોંધી રાખીને તેની પાસેથી રૂૂ.50 લાખની ખંડણીની માંગણી કરી હતી. કેવલ પટેલે ખંડણીની રકમ જસદણની એક આંગડિયા પેઢીમાંથી લેવા માટે હવાલો કરાવ્યો હોય આરોપીઓ કેવલ પટેલને તેની ટોયોટા કંપનીની કારમાં લઈને જસદણ આવ્યા હતા જ્યાં તક નો લાભ લઇ કેવલ જસદણના જુના બસ સ્ટેન્ડ નજીક પહોંચતા જ, કેવલ પટેલને મોકો મળતા તેણે પોતાની કારમાંથી ઠેકડો મારીને નાસી છૂટ્યો હતો કારમાંથી ભાગી જતા અપહરણકારો કેવલને પકડવા જસદણની ભર બજાર માં દોટ મૂકી હતી.
વેપારીને ભાગતો જોઈને ગભરાયેલા ત્રણેય આરોપીઓ પણ કાર છોડીને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ બનાવની જાણ થતાં જસદણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેવલ પટેલની કારને કબ્જે કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી.
આ સનસનીખેજ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને ચકચાર મચી ગઈ હતી. જોકે આ ગંભીર બનાવની ફરિયાદ ચોટીલા પોલીસ કે જસદણ પોલીસે હજુ સુધી કોઈ ગુન્હો નોંધ્યો નથી કે કોઈ આરોપીની ધરપકડની સત્તાવાર માહિતી નથી. આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના બાદ ગુન્હો નોંધાય તેવી શક્યતા છે.