આજી ડેમ ચોકડી પાસે રવિવારી બજારમાં મોબાઇલ ચોરનો આતંક : એક મહિલા પકડાઇ
રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારમા અનેકવાર ખીસ્સા કાતરુ દ્વારા મોબાઇલ તેમજ લોકોના રોકડ રકમ ભરેલા પર્સ ચોરાતા હોવાની ફરીયાદ નોંધવામા આવે છે. ત્યારે ગઇકાલે રવિવારે બે મહીલાના મોબાઇલ સાથેના પર્સ ચોરતી મહીલાને લોકોએ રંગે હાથ પકડી લીધી હતી અને આ સમયે જ પકડાયેલી મહીલાએ ચોેરેલુ પર્સ ફેકતા અન્ય મહીલા આ ચોરાઉ પર્સ લઇ ફરાર થઇ ગઇ હતી. ત્યારબાદ પકડાયેલી મહીલાને આજીડેમ પોલીસને સોંપવામા આવી હતી અને પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધ્યો હતો.
વધુ વિગતો મુજબ હડમતીયા ગોલીડા ગામે રહેતા કિંજલબેન નીતીનભાઇ વાઘેલા નામના પરીણીતા પોતાના પરીવાર સાથે ગઇકાલે બપોરના સાડા ત્રણેક વાગ્યે આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારમા ખરીદી કરવા ગયા હતા ત્યારે કોઇ મહીલાએ મોટુ પર્સ ફરીયાદી કિંજલબેનના ધ્યાન બહાર કાપી તેમા રહેલા નાના પર્સ માનો મોબાઇલ અને રોકડ રૂ. 1200 ભરેલુ પર્સ ચોરી કરી ભાગવા જતા તેને પકડી લીધેલ હતી. ત્યારબાદ પકડાયેલી મહીલાએ આ પર્સ ફેકતા અન્ય મહીલા આ પર્સ લઇને ફરાર થઇ ગઇ હતી ત્યારબાદ લોકોએ પકડાયેલી મહીલાની પુછપરછ કરતા તેમનુ નામ સુમન સોલંકી હોવાનુ જણાવ્યુ હતુ અને તેણીને પોલીસ મથકે લઇ જઇ પોલીસને સોપી હતી.
ત્યારબાદ પોલીસ મથકે જાણવા મળ્યુ હતુ કે આ મહીલાએ અન્ય એક પ્રભાબેન ભરતભાઇ સાગઠીયાનો 14 હજારનો મોબાઇલ પણ ચોરી કર્યો હતો. આ મામલે આજીડેમ પોલીસે ફરીયાદ નોંધી ફરાર થઇ ગયેલી સુમનની સાગરીતને શોધવા શોધખોળ શરૂ કરી છે.