અયોધ્યા ચોક પાસે એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં ઘૂસી લુખ્ખાઓની વાહનોમાં તોડફોડ
સિકયોરીટીની હાજરીમાં ચાર શખ્સોએ લાકડી અને પથ્થર લઇ આતંક મચાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ
રાજકોટ શહેરમા કાયદો વ્યવસ્થાની સ્થિતી કથડતી જણાય છે. જાહેરમા મારામારી અને તોડફોડ કરવાનાં બનાવોનાં વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયા છે . ત્યારે ગઇકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ શહેરમા હતા. ત્યારે શહેરભરમા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો . પોલીસ બંદોબસ્તમા વ્યસ્ત હતી. ત્યારે અમુક લુખ્ખા તત્વોએ 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક નજીક એચસીજી હોસ્પીટલ પાછળ સુંદરમ શિલ્પ રેસીડેન્સીમા સીકયોરીટી મેનની હાજરીમા 4 શખસો લાકડી અને પથ્થર સાથે રાખી મેઇન ગેટથી પાર્કીગમા ઘુસ્યા હતા. અને ત્યા પાર્ક કરેલી કાર અને બાઇકમા રીતસરની તોડફોડ કરી હતી. અને લાકડી તેમજ પથ્થર જેવી વસ્તુથી બાઇક અને ત્યા પાર્ક કરેલી કારનાં કાચ તોડી નાખી મોટુ નુકસાન કર્યુ હતુ. તોડફોડનો અવાજ આવતા ત્યાનાં લતાવાસીઓ નીચે આવી તે પહેલા આરોપીઓ ત્યાથી ભાગી ગયા હતા . આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફુટેઝ સોશ્યલ મીડીયામા વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીઆઇ મેઘાણીની રાહબરીમા ચારેય લુખ્ખાઓને પકડવા તજવીજ શરુ કરી છે.