ખંભાળિયાના પોક્સો કેસમાં પરપ્રાંતિય શ્રમિકને 20 વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ - પરિવાર સાથે મજૂરીકામ અર્થે આવેલા એક શ્રમિક પરિવાર સાથે મજૂરી કામ કરતા મધ્યપ્રદેશ રાજ્યના બાડવી વિસ્તારના રહીશ મુકેશ વાલસિંગ ભાંભોર નામના શખ્સ દ્વારા પરિચય કેળવી અને ફરિયાદી પરિવારની આશરે 15 વર્ષ 2 માસની સગીર વયની પુત્રીને લલચાવી, ફોસલાવીને ગત તારીખ 27 નવેમ્બર 2023ના રોજ અપહરણ કરીને લઈ ગયો હતો.
આ અંગેની ફરિયાદ જે-તે સમયે ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ કરી હતી. આરોપી મુકેશ વાલસીંગએ સગીરાને મધ્યપ્રદેશના બાડવી અને ત્યાર બાદ મુંબઈ, સુરત, સાવરકુંડલા સહિતના જુદા જુદા સ્થળોએ લઈ જઈ અને 10 માસ જેટલા સમય ગાળા પછી છેલ્લે ગોંડલ વિસ્તારમાં લઈ આવ્યો હતો.
અહીં ખરીદી કરવા આવતા ભોગ બનનાર સગીરા છૂટી પડી ગઈ હતી અને ગોંડલ પોલીસ સ્ટેશનને જઈ અને ફરિયાદીને ફોન કરતા આરોપી ઝડપાઈ આવ્યા બાદ બંનેને ખંભાળિયા લાવવામાં આવ્યા હતા. જ્યાં આરોપી તથા ભોગ બનનારની મેડિકલ તપાસણી કરવામાં આવતા આરોપી દ્વારા સગીરા પર અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. જે અંગે જરૂૂરી કાર્યવાહી બાદ આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ રજૂ કરવામાં આવેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને નામદાર અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી, 20 વર્ષની સખત કેદ તથા રૂૂ. 20,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. ભોગ બનનાર સગીરાને વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂૂ. એક લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરાયો છે.
