પાટડીના દસાડામાં વિદ્યાર્થીને ઉઠાવી જઇ આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 50 વર્ષના આધેડે શાળાએ જતી સગીરાનું મોંઢે ડુચો દઈ અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. આરોપીએ પોતાના કપડા કાઢી સગીરાને પણ કપડા કાઢવા ધમકી આપી હતી.ઘટના દરમિયાન સગીરાની કાકી ત્યાં પહોંચી જતાં આરોપી કપડા પહેરી ફરાર થઈ ગયો હતો. સગીરાની કાકી ઘરની પાછળ એંઠવાડ નાખવા જતા હતા ત્યારે તેમને બચાવો બચાવોની બૂમો સંભળાઈ હતી. તેઓ અવાજની દિશામાં ગયા ત્યારે તેમણે જોયું કે ગામનો 50 વર્ષીય બાબુ કપડા કાઢેલી હાલતમાં ઊભો હતો અને સામે તેમની ભત્રીજી હતી.
આરોપી સગીરાને ધમકી આપી રહ્યો હતો કે જો તે કપડા નહીં કાઢે તો તેના માતા-પિતાને કાપીને મારી નાખશે. સગીરા અને તેની કાકીએ બૂમાબૂમ કરતાં આરોપી કપડા પહેરીને ભાગી ગયો હતો. પરિવારજનોએ સગીરાને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આરોપી અવારનવાર તેની પાછળ પાછળ જતો હતો. આ દિવસે જ્યારે સગીરા શાળાએ જઈ રહી હતી ત્યારે આરોપીએ તેનું અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. પરિવારજનોએ આરોપીની શોધખોળ કરી હતી પરંતુ તે ન મળતાં અંતે બજાણા પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂૂ કરી છે.