યુનિકેર હોસ્પિટલમાં હૃદયની સર્જરી બાદ આધેડનું મોત
પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કરતા મૃતકનુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું
શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલી યુનિકેર હોસ્પિટલમાં હૃદયની બાયપાસ સર્જરી બાદ વાંકાનેરના આધેડનું મોત નીપજ્યું હતું. ઓપરેશનમાં તબીબોએ લાપરવાહી દાખવતાં આધેડનું મૃત્યુ થયાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.વાંકાનેરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા રાજેશભાઇ કૈલાસગીરી ગોસ્વામી (ઉ.વ.45)ને છાતીમાં ગભરામણ સહિતની સમસ્યા થતાં તેમને રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલમાં પરિવારજનો લઇ ગયા હતા અને રાજેશભાઇ ગોસ્વામીની ત્રણ નળી બ્લોક હોવાનું તબીબોએ નિદાન કર્યું હતું.ત્રણેક દિવસ પહેલાં રાજેશભાઇને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શનિવારે સર્જરી થઇ હતી જ્યારે રવિવારે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું. ચાલીને હોસ્પિટલમાં દાખલ થયેલા રાજેશભાઇના મૃત્યુથી ગોસ્વામી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી અને ઓપરેશનમાં તબીબોએ લાપરવાહી દાખવતાં રાજેશભાઇનું મૃત્યુ થયાનો આક્ષેપ કરાયો હતો.ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડ્યો હતો.
ગોસ્વામી પરિવારના પરિચિત અને વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી ભરતભાઇ મુંધવાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, રાજેશભાઇને શનિવારે સવારે 8 વાગ્યે ઓપરેશન થિયેટરમાં લઇ જવાયા હતા અને બાયપાસ સર્જરી શરૂૂ કરવામાં આવી હતી. બપોર સુધી તેમને બહાર નહીં લવાતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને પૃચ્છા કરતાં એક કલાકમાં બહાર લવાશે તેવું કહી રાત્રીના 8 વાગ્યા સુધી ઓપરેશન થિયેટરની બહાર લાવ્યા નહોતા. રાત્રે આઠ વાગ્યે પણ સર્જરી થઇ ગઇ છે અને આઇસીયુમાં દાખલ કરાયા છે તેમ કહી દરવાજાની બહાર કાચમાંથી રાજેશભાઇ દાખલ હોય તે બતાવવામાં આવ્યું હતું. રવિવારે રાજેશભાઈને મૃત જાહેર કરાતા પરિવારજનો ભાંગી પડ્યા હતા.
પરિવારે કરેલા આક્ષેપો તદન પાયાવિહોણા: ડો.જીગીશ દોશી
આ અંગે યુનિકેર હોસ્પિટલના તબીબ જીગીશ દોશી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે દર્દી રમેશગીરી ગોસ્વામીનું આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.તેમજ મૃતકના હૃદયના ધબકારામાં વધઘટ થતી હોવાની તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારે જે આક્ષેપો કર્યા છે તે તદન પાયા વિહોણા છે.અમારા મેનેજમેન્ટથી એકપણ ભૂલ થઈ નથી છતાં પણ દર્દીના સગાને શંકા હોય તો પીએમ કરાવી શકે છે તેમ અંતે જણાવ્યું હતુ.