રાજકોટની ભાગોળે 12 લાખનો દારૂ ભરેલી મર્સિડીઝ ઝડપાઈ
ક્રિષ્ના વોટર પાર્ક પાસે ક્રાઈમ બ્રાંચનો દરોડો, બે શખ્સોની ધરપકડ, પોલીસને શંકા ન જાય તે માટે લકઝરીયસ કારનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રૂા.12 લાખનો વિદેશી દારૂ ભરેલી લકઝરીયર્સ મર્સિડીઝ કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. રાજસ્થાનથી દારૂ ભરીને આવેલા આ બન્ને શખ્સોનો સ્થાનિક બુટલેગર સંપર્ક કરે તે પૂર્વે જ દારૂના કટીંગ પહેલા જ ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રાટકી હતી. દારૂ સહિત રૂા.36.86 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસને શંકા ન જાય તે માટે હવે દારૂના સપ્લાયરોએ લકઝરીયર્સ કારનો ઉપયોગ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજસ્થાનથી દારૂ ભરેલી કાર રાજકોટ અમદાવાદ હાઈવે પર આવવાની હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઈ અનિલભાઈ સોનારા, ધર્મરાજસિંહ રાણા અને હરપાલસિંહ જાડેજાને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી હોય તે દરમિયાન ક્રિષ્ના વોટર પાર્ક નજીક નંબર પ્લેટ વગરની મર્સિડીઝ કાર ત્યાંથી પસાર થઈ હોય જેને અટકાવી હતી. લકઝીયસ કારમાં નંબર પ્લેટ ન હોય તે બાબતે શંકા જતાં ક્રાઈમ બ્રાંચની ટીમે મર્સિડીઝ તલાસી લેતાં તેમાંથી 12 લાખની કિંમતની 384 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
કાર અંગે તપાસ કરતાં તેના નંબર યુકે.04.આર.9744 હોવાનું જાણવા મળ્યું હતું. દારૂ અને કાર મળી 36.86 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના જાલોર જિલ્લાના કુંડકી મોહનલાલ કિશનલાલ બિશ્ર્નોઈ અને રાજસ્થાનના સાંચોર તાલુકાના જેરોલ ગામના મુકેશ મયંગારામ આલની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને શખ્સોને રાજસ્થાનના સપ્લાયરે દારૂ ભરેલી મર્સિડીઝ કાર રાજકોટનાં બુટલેગરને પહોંચાડવા આપી હતી. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવીને બુટલેગરનો સંપર્ક થાય તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રાટકી હતી. આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર સપ્લાયર અને રાજકોટના સ્થાનિક બુટલેગરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજ સિંહ ગોહિલ તેમજ એસીપી ક્રાઈમ ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ. એલ.ડામોર, સી.એચ. જાદવ સાથે પીએસઆઈ એ.એસ.ગરચર અને તેમની ટીમના સમીરભાઈ શેખ, જીલુભાઈ ગરચર, મનીષભાઈ ચાવડા, અશ્વિનભાઈ પંપાણીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.