જામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ
જામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદે લીધેલ ધિરાણની ચુકવણી માટે આપેલો રૂા.12 લાખનો ચેક પરત ફર્યો હતો. જેથી સહકારી મંડળીના મંત્રી સભાસદ વિરૂધ્ધ ધોરાજી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસમાં નીચલી કોર્ટે ફટકારેલા બે વર્ષની સજા અને રૂા.12 લાખના દંડના હુકમ સામે ઉપલી કોર્ટમાં સભાસદ દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અપીલ ચાલી જતાં ધોરાજી એડીશ્નલ ડિસ્ટ્રીક કોર્ટે સભાસદ સામેનો નીચલી કોર્ટનો બે વર્ષની સજા અને રૂા.12 લાખનો દંડ ફરિયાદી મંડળીને 30 દિવસમાં ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ યથાવત રાખ્યો છે.
આ કેસની હકીકત મુજબ જામકંડોરણા તાલુકાના આંચવડ ગામે રહેતાં જયેન્દ્રસિંહ ગોવુભા ચૌહાણ (ઉ.53)એ જામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળી લી. (વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી)માંથી વર્ષ 2007-08માં મગફળી અને કપાસનું ખેતી વિષયક ધિરાણ મેળવ્યું હતું. સભાસદ જયેન્દ્રસિંહ ચૌહાણે ધિરાણની કુલ રકમ 22 લાખ પૈકી રૂા.12 લાખની ચુુકવણી માટે મંડળીને ચેક આપ્યો હતો. જે ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. જે અંગે મંડળી દ્વારા પોતાના એડવોકેટ મારફતે ખેડૂતને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસની બજવણી થઈ ગઈ હોવા છતાં ખેડૂત દ્વારા મંડળીને રકમ ચુકવવામાં નહીં આવતાં કે યોગ્ય પ્રત્યુતર નહીં આપતાં મંડળીના મંત્રી ગીરધરભાઈ બટુકભાઈ રાદડિયાએ સભાસદ જયેન્દ્રસિંહ ગોવુભા ચૌહાણ વિરૂધ્ધ ધોરાજી કોર્ટમાં ચેક રિર્ટનની ફરિયાદ દાખલ કરી હતી.
જે કેસ ચાલવા ઉપર આવતાં આરોપી જયેન્દ્રસિંહ ચૌહાણને રૂા.12 લાખના ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા અને રૂા.12 લાખનો દંડ તેમજ દંડની રકમ 30 દિવસમાં ફરિયાદી મંડળીને ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. નીચલી કોર્ટના સજા અને દંડના હુકમ સામે સભાસદ જયેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા ધોરાજી એડીશ્નલ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.
જે અપીલ ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષના વકીલોની દલીલો બાદ ફરિયાદી મંડળીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ ધોરાજી એડીશ્નલ ડીસ્ટ્રીક કોર્ટના ન્યાયાધિશ અલી હુશેન મોહીબુલ્લાહ શેખ દ્વારા નીચેની કોર્ટનું સજા અને દંડનોહુકમ યથાવત રાખતો આદેશ કર્યો છે.