મોરબીમાં હાર્ડવેરના વેપારી પરિવારનો સામૂહિક આપઘાત
દંપતી અને પુત્રના અલગ-અલગ રૂમમાં ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહો મળ્યા : વ્યાજનું ચક્ર કે પૈસાની લેતી-દેતી ? સ્યૂસાઇડ નોટ મળી
બે દિવસ પહેલાં જ પુત્ર હર્ષનો જન્મદિવસ ઉજવ્યો હતો: પોલીસ તપાસનો ધમધમાટ
મોરબી શહેરમા રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પત્નિ અને પુત્ર સાથે મળી ઘરના બેડરૂૂમ, હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામુહિક રીતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઇ છે. બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવતા કબજે લઇ બનાવનુંકારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, ઉ.57, તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર ઉ.55 અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર ઉ.19એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફેલટમાં ગળેફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, મૃતક હરેશભાઇને હાર્ડવેરની દુકાન હોવાનું તેમજ બે દિવસ પહેલા જ પુત્ર હર્ષનો જન્મ દિવસ હોવાનું નજીકના પરિવારજનો જણાવી રહ્યા છે. બીજી તરફ પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું અને સ્યુસાઇડ નોટમાં પરિવારના આ પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે, હાલમાં પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે.
ચોકવાનારી બાબત એ છે કે, સામુહિક આપઘાત કરી લેનાર દંપતીએ કઠણ કાળજે આ અંતિમ પગલું ભરવા માટે ત્રણેય વ્યક્તિએ ફ્લેટમાં અલગ અલગ જગ્યાએ ગળેફાંસો ખાધો હતો જેમા એક વ્યક્તિ બેડરૂૂમમાં, એક વ્યક્તિ હોલમાં અને એક વ્યક્તિએ રસોડામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં પોલીસે આ ગંભીર બનાવમાં ઝીણવટભરી તપાસ શરૂૂ કરી છે. બનાવ અંગે વેપારી દંપતિ અને પુત્રના આપઘાત પ્રકરણમાં પૈસાની લેતી-દેતી કે વ્યાજ ચક્રમાં ફસાયા હોવાની હાલ ચર્ચા છે. જો કે, મોરબી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્યુસાઇડ નોટ કબજે લઇ બનાવનું સચોટ કારણ જાણવા ત્રણયે ના મોબાઇલ લઇ કોલ ડીટેઇલ કઢાવવા ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે.