જૂનાગઢની જીઆઇડીસીના પાંચ કારખાનામાં બુકાનીધારી ત્રાટક્યા, 2.50 લાખ મતાની ચોરી
જૂનાગઢ શહેરમાં સાબલપુર નજીક આવેલ જીઆઇડીસી 2માં વોકળાએથી આવેલા તસ્કરો ત્રાટક્યા હતા અને 5 કારખાનામાંથી 2.50 લાખની રોકડની ચોરી કરી હતી. ઉપરાંત નજીકમાં આવેલ જ્ઞાનબાગ ગુરુકુળમાં પણ ચોરીની કોશિષ કરીને નાસી ગયા હતા. તસ્કરોએ બુકાની બાંધી હતી.જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય કેવનભાઈ ધરમશીભાઈ વડાલીયાનાં જૂનાગઢ તાલુકાના સાબલપુર ગામ નજીકની જીઆઇડીસી 02માં આવેલ પાટીદાર પ્રોડક્ટ પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કારખાનું શનિવારે સાંજે 6 વાગ્યે બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા.
ત્યારે રાત્રિના સમયે કારખાનાની ઓફિસના શટલ ખોલી ઓફિસના ટેબલના ખાનામાંથી રૂૂપિયા 8000 અને બાજુના રૂૂમના કબાટમાંથી હિસાબના રૂૂપિયા 1.23 લાખ મળી કુલ રૂૂપિયા 1.31 લાખની રોકડની ચોરી થઈ હતી.સીસીટીવી કેમેરાનાં ફૂટેજમાં 8 અજાણ્યા શખ્સે હાથફેરો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. આજ પ્રમાણે રાજભાઈ વસવેલીયાનાં આર. કે. લેબમાં 3 શખ્સે પ્રવેશી ટેબલના ખાનામાંથી રૂૂપિયા 1 લાખ, ચિરાગભાઈ કાચાના મારુતિ એરોમેટિક એન્ડ ફ્લેવર કારખાનામાંથી રૂૂપિયા 12,000, રહીમભાઈની ભગવતી સેલ્સ એજન્સીમાંથી 7,000ની રોકડની ચોરી થઈ હતી. ત્યારે હનીફભાઈ મુનશીના કારખાનામાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. પરંતુ કેટલી ચોરી થઈ તે બહાર આવ્યું ન હતું. કારખાનાઓમાં ખાબક્યા બાદ તસ્કરોએ સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુળમાં પણ ચોરીની કોશિશ કરી હતી. આ અંગે વેપારી કેવનભાઈ વડાલીયાની ફરિયાદ લઇ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
સાબલપુર નજીક વોકળા કાંઠે આવેલ જીઆઇડીસી 2 વિસ્તારના 5 કારખાનામાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. જેના સીસીટીવીના આધારે જાણવા મળ્યુ કે, આ 8 તસ્કરોની ગેંગે એક કારખાનાની અંદર બે થી ચાર મિનિટનો સમય લઇ ચોરી કરી હતી. એટલે કે તમામ કારખાનામાં માત્ર બે થી ચાર મિનિટના સમયની અંદર જ હાથફેરો થયો હોવાનુ ફૂટેજમાં ખુલ્યુ હતુ.