પરિણીત પ્રેમિકાને સંબંધ ટુંકાવવા સમાધાન માટે બોલાવી પ્રેમીએ લાકડી વડે માર માર્યો
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે આવેલી વિતરાગ સોસાયટીમાં રહેતી પરણીતાને એકાદ વર્ષ પૂર્વે ફાયનાન્સના ધંધાર્થી સાથે ફેસબુક મારફતે પ્રેમ સબંધ બંધાયો હતો. બન્ને વચ્ચે તકરાર થતાં પ્રેમીએ પરણીત પ્રેમીકાને સબંધ ટુંકાવવા સમાધાન માટે રવિરત્ન પાર્કમાં બોલાવી લાકડી વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે આવેલ વિતરાગ સોસાયટીમાં રહેતી નિકિતાબેન વિકાસભાઈ વારિયા નામની 37 વર્ષની પરણીતા ગઈકાલે બપોરના એકાદ વાગ્યાના અરસામાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા રવિરત્ન પાર્કમાં હતી ત્યારે જયેશ જોટંગિયાએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. નિકિતાબેન વારિયાને ગંબીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીનો સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં નિકિતાબેનને સંતાનમાં બે પુત્રી છે અને તેણીના પતિ મોટી પુત્રી સાથે હાલ વિદેશમાં રહે છે. જ્યારે નિકિતાબેન નાની પુત્રી સાથે વિતરાગ સોસાયટીમાં રહે છે. નિકિતાબેનને એકાદ વર્ષ પૂર્વે ફેસબુક મારફતે ફાઈનાન્સનું કામ કરતા જયેશ જોટંગિયા સાથે મિત્રતા થઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બન્ને વચ્ચે પ્રેમ સબંધમાં તકરાર થતાં જયેશ જોટંગિયાએ ગઈકાલે સમાધાનના બહાને નિકિતાબેનને રવિરત્ન પાર્કમાં પોતાના ફ્લેટે બોલાવી હતી અને જ્યાં જયેશે બન્નેના પોટા તારા પતિને મોકલી વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. અને ધરાર સબંધ રાખવા દબાણ કરી નિર્લજ હુમલો કરી લાકડી વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને અગાઉ જયેશ દોઢ મહિના પહેલા તેના મિત્રના ન્યારી ડેમ પાસે આવેલા ફાર્મહાઉસ ખાતે લઈ ગયો હતો અને જ્યાં પણ માર માર્યો હોવાની મુંજકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું નિકિતાબેને જણાવ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.