ઉંચા વ્યાજની લાલચ આપી અનેક રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી
રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ 41 રોકાણકારોની કંપનીના માલિક સામે ગુનો નોંધવા રજૂઆત
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે આવેલ રીસેટ વેલ્થ મેનેજમેન્ટ અને મહી એન્ટપ્રાઈઝ અને તોલા ટ્રેડીંગ અને ડાયમંડ નામે કંપનીમાં સારૂૂ વળતર આપવાની લાલચે રાજકોટના 100થી વધુ લોકો પાસેથી કરોડો રૂૂપિયાનું રોકાણ કરાવી છેતરપીંડી કરનાર સામે ગુનો નોંધવાની માંગ સાથે રોકાણકારોએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. રજૂઆત કરવા આવેલા રોકાણકારોએ આ ભેજાબાજ કંપનીએ ગુજરાતમાં 5 થી 7 હજાર રોકાણકારો સાથે છેતરપીંડી કર્યાનું જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ રાજકોટ રહેતા રોકાણકારોએ પોલીસ કમિશનરને કરેલ અરજીમાં જણાવ્યું હતું કે મવડી ચોકડી પાસે આવેલ રીસેટ વેલ્થ મેનેજમેન્ટ, માહી એન્ટરપ્રાઈઝ અને તોલા ટ્રેડીંગ અને ડાયમંડ નામની પેઢીમાં ઉચા વળતરની લાલચ આપી રાજકોટના 100થી વધુ રોકાણકારોને રોકાણ કરાવ્યું હતું. રોકાણની રકમનું 5 ટકા વળતર મળતું હોવાની વાત કરેલ જેથી ઉપરોકત પેઢીની દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલ આર.કે.એમ્પાયરના બીજા માળે ઓફિસ નં 71 સી માં પેઢી માલિક સંજય લાલજી માંગરોલીયાની મુલાકાત લીધી હતી.ત્યારે સંજય અને તેના ઓફીસ નું સંચાલન કરતા સુરજ દ્વારા રોકાણ અંગે 5 ટકા વળતર આપવાનું કહી ફોનમાં એપ્લીકેશન ઈન્સ્ટોલ કરાવી હતી.બાદ વર્ષ 2023 થી તા.24/1/25 સુધીમાં બેંક મારફતે રોકાણ કરેલ હતું. જેનું ડીવીડન્ડ થોડો સમય રેગ્યુલર ચૂકવ્યા બાદ માર્ચ માસથી ડીવીડનની રકમ વિડ્રો કરે તે પહેલા જ એકાઉન્ટ બ્લોક કરી દીધા હતા.જેનું વળતર પણ આપેલ ન હતું.
રોકાણકારોનું ડીવીડન્ડ બાબતે સંજય માંગરોલીયાને રૂૂબરૂૂ મળ્યા ત્યારે તેને વાત કરતા બે મહિનામાં રકમ પરત આપી દેશું કહી બહાના બનાવી છેતરપીંડી આચરી હતી.આ મામલે ગોંડલ રોડ પરના વંદના હેરીટેજના ત્રીજા માળે ફલેટ નં 302માં રહેતા હિતેશ ભીમદાસ પરમારે પણ મેટોડા પોલીસ મથકમાં સંજય અને તેના એજન્ટ સામે અરજી કરી છે. તેમજ મીલપરા મેઈન રોડ પર રહેતા પંકજભાઈ ધીરજલાલ કારેલીયા ઉ.46એ મેટોડા પોલીસમાં કરેલ અરજીમાં જણાવ્યું હતું કે વર્ષ 2023ના ચોથા મહિનામાં મિત્ર કમલેશ હરેશભાઈ મરછોયા ખીરસરા માતાજીના દાણા જોતા ભરત કનુભાઈ મરછોયા પાસે લઈ ગયો હતો. બાદ ભરતે રીશેટ વેલ્થ નામની પેઢીમાં રોકાણ કરવાથી 4થી 5 ટકા વળતર મળશે કહી વિશ્વાસમાં લીધા હતા.
બાદ અમો દંપતિ તથા ભાઈઓ કુંટુંબના કુલ રૂૂપિયા 1 કરોડ રોકાણ કરેલ તેમાંથી વળતર પેટે 45 લાખ મળ્યા હતા.હજુ 55 લાખ લેવાના હોય જેથી કનુ મરછોયા, ભરત, દિવ્યેશ અશ્વિનભાઈ વેકરીયા સહિતનાનો સંપર્ક કરતા ફોન ઉપાડતા ન હોય જેથી તપાસ કરતા ખીરસરા અને મેટોડાના લોકો સાથે વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવેલનું જાણવા મળ્યું હતું. રાજકોટ અને સૌરાષ્ટ્ર જ નહી પણ ગુજરાતભરમાં પાંચથી સાત હજાર રોકાણકારો આ કંપનીમાં રોકાણ કરીને છેતરપીંડીનો ભોગ બન્યા હોય અને હાલ આ તમામને રાતાપાણીએ રોવાનોવારો આવ્યો છે. જેથી ભરત કનુભાઈ મરછોયા. સંજય લાલજીભાઈ માંગરોલીયા, દિવ્યેશ અશ્વિનભાઈ વેકરીયા, કમલેશ હરેશભાઈ વસોયા સામે અરજી કરી હોય આ મામલે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાને આ મામલે આર્થિક ગુન્હા નિવારણ શાખાને તપાસ સોપવા માંગ કરી હતી.
ચીટર ટોળકીએ ગુજરાતી ફિલ્મો પણ બનાવી રોકાણકારોને આકર્ષ્યા
રોકાણકારોને શીશામાં ઉતારવા માટે રિસેટ એન્ટટેઈનમેન્ટ કંપનીએ ગુજરાતી ફિલ્મો પણ બનાવી હતી. અને ગુજરાતી કલાકારોનો રોકાણકારોને આકર્ષવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ કંપનીએ કાઠીયાવાડી ટેલ્સ વિકટર-303, સહિયર મોરીરે સહિતના ગુજરાતી ફિલ્મો બનાવ્યા હતાં. આ ફિલ્મોના એકટરોના ફોટોગ્રાફ કંપનીના પ્રમોશન માટે મુકવામાં આવતાં હતાં જેના કારણે અભણ અને ગ્રામ્ય વિસ્તારનાં રોકાણકારો આકર્ષાયા હતાં.
ભાગતા પહેલાં કરોડોની જમીન અને ઓફિસો પણ વેચી મારી
અનેંક રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાડી નાસી છુટેલા રીસેટ વેલ્થ સહિતની પાટીયા પેઢીઓના સંચાલકો વિદેશ ભાગી ગયાની શકયતા છે. આ ટોળકીએ ભાગતા પહેલા ચીભડા ગામે આવેલી 9510 ચોરસ વાર ઈન્ડસ્ટ્રીયલ જમીન, શિવાય બિલ્ડીંગ ઉપરાંત આર.કે.એમ્પાયરમાં આવેલી ચાર મોટી ઓફિસો પણ વેંચી મારી હોવાનું બહાર આવ્યું છે. આ મિલકતોની ગત એપ્રિલ માસમાં જાહેર નોટિસો પણ અખબારીમાં છપાઈ હતી.