માંડાડુંગરમાં નળ ફીટિંગના પાંચ હજાર માગતા કારીગર ઉપર કારખાનેદાર સહિતનાનો હુમલો
કૌટુંબિક ભાઈ સહિતનાએ માર મારી હાથ ભાંગી નાખતા આધેડને સારવારમાં ખસેડાયા
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં કારખાનામાં નળ ફીટીંગ માટે આધેડે રૂા.5000ની માંગણી કરતાં કારખાનેદાર કૌટુંબીક ભાઈ સહિતના શખસોએ ‘રૂા.1000નું કામ નથી અને તું 5000 માંગે છે’ તેમ કહી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને હાથ ભાંગી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સંતકબીર રોડ પર આવેલ સિલ્વર નેકસ્ટમાં રહેતાં દિનેશભાઈ ગોરધનભાઈ પરમાર નામના 50 વર્ષના આધેડ સાંજના સાતેક વાગ્યાના અરસામાં માંડાડુંગર વિસ્તારમાં હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. આધેડને બન્ને હાથમાં ફેકચર જેવી ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે જાણ થતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં દિનેશભાઈ પરમારના કૌટુંબીક ભાઈને માંડા ડુંગર વિસ્તારમાં કારખાનું આવેલું છે જે કારખાનામાં કામ ચાલુ છે. જે કારખાનામાં નળ ફીટીંગ કરવા માટે દિનેશભાઈ પરમારે રૂા.5000ની માંગણી કરી હતી. જેથી કૌટુંબીક ભાઈ સહિતના શખ્સોએ રૂા.1000નું કામ નથી અને તું 5000 માંગે છે તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.