વીંછિયામાં મહિલાના લખાણવાળા ફોટા ફેસબુકમાં અપલોડ કરનાર શખ્સને ત્રણ વર્ષની જેલ
વિછીયાની પરિણીત મહિલાના અભદ્ર લખાણવાળા ફોટાને ફેસબુકમાં અપલોડ કરનારને વિછીયા કોર્ટે વેરાવળ - ભડલી ગામનાં આરોપીને ત્રણ વર્ષની સજા સાથે દશ હજાર નો દંડ ફટકાર્યો છે.
આ કેસની ખરી હકીકત એવી છે કે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના વેરાવળ ગામના હેમુભાઈ ઉર્ફે અગો બાબુભાઈ મેરનાઓએ વિછીયા ગામની એક પરિણીત મહિલાના નામનું ખોટું ફેસબુક આઇ.ડી. બનાવેલ અને તેના સ્ટેટસમાં ફરિયાદી મહિલાના ફોટા તથા અભદ્ર બિભત્સ લખાણવાળી પોસ્ટ વાયરલ કરેલ.
આમ ફરિયાદી દ્વારા વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ જે ફરિયાદના અનુસંધાને પોલીસ દ્વારા તટસ્થ અને કડક તપાસ કરતા તેમજ ફેસબુકનું હેડક્વાર્ટર અમેરિકામાં હોય ત્યાંથી ફેક ફેસબુક આઇ.ડી.ક્યારે બન્યું અને તેની વિશેષ માહિતી મેળવેલ અને પોલીસ અધિકારી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ધ્યાને મુકેલ. આમ આ કેસ વિછીયાની પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કૃત્તેષ એન. જોષી સાહેબની કોર્ટમાં કેસ ચાલેલ.
આમ કેસ દરમ્યાન સરકારી વકીલ કે.એમ.ચૌધરી દ્વારા કોર્ટ સમક્ષ ફરિયાદ અનુસંધાને આધાર પુરાવો સાથે વિગતો જણાવેલ અને ધારદાર દલીલો કરેલ તેમજ વિથ પ્રોસિકયુંશનમાં વકીલ વી.વી. રંગપરા જોડાયેલા હોય આમ બચાવ પક્ષના વકીલ દ્વારા પણ કોર્ટ સમક્ષ દલીલો કરેલ.
સુપ્રીમ કોર્ટે તેમજ ગુજરાત હાઇકોર્ટે દ્વારા પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતો અનુસાર ફરિયાદીની જુબાની તેમજ ફરિયાદ સાથે જોડાયેલ વ્યક્તિઓ આપેલ જુબાની, વિવિધ આધાર પુરાવોઓ તેમજ ધારદાર દલીલો અને જજમેન્ટોને ધ્યાને રાખી વિછીયાના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કૃતેષ.એન.જોશીએ આરોપી હેમુભાઇ ઉર્ફે અગો બાબુભાઈ મેરને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા દસ હજાર રૂૂપિયાનો દંડ ફટકારેલ જેનો હુકમ ખુલ્લી અદાલતમાં સંભળાવવામાં આવેલ.
આ તબક્કે કોર્ટે એ હકીકત પણ નોંધેલી હતી કે સ્ત્રી માટે એનું ચરિત્ર ખૂબ જ મહત્વનું હોય છે. સ્ત્રીના ચરિત્ર ઉપર આક્ષેપ લગાવવાથી સ્ત્રીના મન તથા આત્મા ઉપર ઊંડો આઘાત લાગે છે.